October 31, 2024

લિંબાયત પંચશીલનગરના ગરીબોનો વૈકલ્પિક આવાસ ફાળવવા મોરચો

  • પાલિકાએ ઝૂંપડા ખાલી કરવા અંગેની નોટિસ મોકલતાં કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાનીમાં મોરચો
  • અન્યાય સાંખી નહીં લેવાયઃ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપરાંત કાયદાકીય લડતની ચીમકી

શહેરમાં વિકાસના કામો માટે ઝુંપડાવાસીઓને ઘરવિહોણાં કરવાનો એક નવો મુદ્દો ચર્ચાની એરણે ચઢ્યો છે. સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ લિંબાયત ઝોનના ટીપી-7 (આંજણા)ના ફાઈનલ પ્લોટ નં. 184 સ્થિત પંચશીલનગરના 75 જેટલા કાચા-પાકા મકાનોને ખાલી કરી કબ્જો સોંપી દેવા પાલિકાએ નોટિસ ફટકારતાં ગરીબ શ્રમજીવી પરિવારોમાં દહેશત વ્યાપી છે. આજે કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાનીમાં રહીશોએ પાલિકાની મુખ્ય કચેરીએ મોરચો માંડી વૈકલ્પિક આવાસ ફાળવવા માંગ કરી હતી.

સાયકલવાલાએ એક આવેદનપત્ર દ્વારા મ્યુનિ. કમિ. અગ્રવાલને જણાવ્યું હતું કે પંચશીલનગરમાં વર્ષોથી ગરીબ અને શ્રમજીવી પરિવારો વસે છે. અહીંથી ઉત્તર દિશામાં ખાડી ઉપર બોક્ષ ડ્રેઈન બનાવવાની કામગીરી ટૂંકમાં શરૂ થનાર હોઈ ખાડીને લાગુ 9.0 મીટરના રોડમાં આવતાં ઝૂંપડાઓને ઘરો ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે, જે અમાનવીય અભિગમ છે. સાયકલવાલાએ પાલિકાએ 2007ની સ્થાયી સમિતિનો ઠરાવ ઉપરાંત હાઈકોર્ટની 2012ની એક PILને ટાંકીને જણાવ્યું છે કે વિકાસના કામો માટે જો કોઈ ઝૂંપડા હટાવવા પડે તો તેમને વૈકલ્પિક આવાસ ફાળવવા જોઈએ.

2008થી 2021 દરમિયાન સુરત મહાનગરપાલિકાએ વિકાસના કામો માટે ઝુંપડાવાસીઓને વૈકલ્પિક આવાસ ફાળવ્યા છે, જેમાં લિંબાયત ઝોન દ્વારા 4373 તેમજ અન્ય ઝોન દ્વારા 46000 કરતાં વધુ આવાસની ફાળવણી ઝુંપડાવાસીઓને કરવામાં આવી છે. જેથી માનવીય અભિગમ અપનાવી પંચશીલનગરના ઝુંપડાવાસીઓને વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવે તેવી વિનંતી સાથે સાયકલવાલાએ ચીમકી આપી છે કે નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કે પછી કાયદાકીય લડત લડવાની તેમને ફરજ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *