July 1, 2025

સુરત સિવિલમાં અંગદાન, ત્રણને જીવનદાન

  • નવી સિવિલ-સુરતની વધુ એક ઉમદા પહેલ: બ્રેઈનડેડ મહિલાના અંગોથી ત્રણને નવજીવન
  • સુરત ખાતે ૪૫ વર્ષીય બ્રેઈનડેડ ધનકીબેન રાઠોડના લીવર અને બે કિડનીનું દાન
  • સિવિલ હોસ્પિટલ થકી ૬૬મું અંગદાન:નવસારી જિલ્લાના જલાલપોરના રાઠોડ પરિવારના અંગદાનના માનવતાવાદી અભિગમથી ત્રણને મળશે નવજીવન

માહિતી બ્યુરો-સુરતઃશુક્રવાર: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૬મું સફળ અંગદાન થયું છે. નવસારી જિલ્લાના જલાલપોરના મોટીમેલણ ફળિયા ખાતે રહેતા રાઠોડ પરિવારના બ્રેઈનડેડ મહિલાના બે કિડની અને એક લીવર દાન થતા ત્રણ જરૂરિયાતમંદ નવજીવન મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લાના જલાલપોરના મોટીમેલણ ફળિયા ખાતે રહેતા ૪૫ વર્ષીય ધનકીબેન છનાભાઇ રાઠોડ એક મહિના પહેલા ખેતી મંજૂરી કરતી વેળાએ પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈંજા પહોંચી હતી. માથાના ભાગે ઈંજા પહોંચતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તબીયત સ્વસ્થ થવાથી ડિસ્ચાર્જ કર્યા હતા. આ અકસ્માતમાં માથાના ભાગે ઈજા થવાથી થોડા દિવસ બાદ ફરી ગભરામણ અનુભવતા નવસારી સિવિલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. ધનકીબેનની હાલત વધુ ગંભીર જણાતા તા.૧૦મી જૂને વધુ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તબીયત લથડતા ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની સઘન સારવાર બાદ તા.૧૨મીએ મોડી રાત્રે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. રાઠોડ પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. પતિ છનાભાઇ ચુનાભાઈ રાઠોડે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. સ્વ.ધનકીબેન ને જાગુબેન, શારદાબેન, વનિતાબેન એમ ત્રણ દીકરીઓ તથા ભુલાભાઈ પુત્ર છે. આજે બ્રેઈનડેડ સ્વ.ધનકીબેનના લીવર અને બે કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૬૬મું અંગદાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *