સુરતમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા મેરેથોન યોજાઈ



- મહિલા પોલીસ, મહિલા ટીઆરબી સાથે શહેરની 2300થી વધુ મહિલા સ્પર્ધકો 5 અને 10 કિ.મી.ની દોડમાં જોડાયા
- મહિલા સશક્તિકરણનો ઉદ્દેશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મેરેથોનને ફ્લેગ ઓફ કરાવીઃ વિજેતા સ્પર્ધકોને ઈનામ અપાયા
સુરત શહેર પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આજરોજ વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે સુરત ટ્રાફિક પોલીસ અને નિમાયા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પાંચ અને દસ કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દોડ ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી પાલ આરટીઓ સુધી યોજાઈ હતી.
આ મેરાથોન દોડને ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી હતી. સુરત શહેરના શહેરીજનો ટ્રાફિકના નિયમો બાબતે જાણકાર અને જાગૃત બને તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે વિષયને અનુલક્ષીને આ મેરેથોનમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી. જેમાં સુરત શહેર ટ્રાફિક પોલીસની ૨૦૦થી વધારે મહિલા પોલીસ કર્મચારીઓ અને ટી. આર. બી. મહિલા કર્મીઓ જોડાયા હતા. આ મેરેથોનમાં ૨૩૦૦થી વધારે સુરત શહેરની મહિલાઓ, ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના મહિલા કર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા. મહિલા સશક્તિકરણના ઉદેશ સાથે જ મહિલાઓ સમાજમાં ચાવીરૂપ ભૂમિકાઓ ભજવે તેવા હેતુથી મેરેથોન દોડ યોજાઈ હતી. મેરેથોનના સમાપન સમયે વિજેતા ઉમેદવારોને વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા.