karnataka:કેબ રાઈડ કેન્સલ કરનાર મહિલાને ડ્રાઈવરે મોકલ્યા અશ્લીલ મેસેજ
આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અગાઉની જેમ રાહ જોવી નથી પડતી, કારણ કે હવે ઘણી કંપનીઓ દ્વારા કેબ સર્વિસ પૂરી પાડવામાં આવે છે અને એ લોકોને સરળ હોવાથી ઘણા લોકો તેનો ઉપયોગ કરતાં થયા છે. જો કે, ક્યારેક આ સગવડના કારણે મુસીબતમાં મુકાવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે ત્યારે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં કેબ રાઈડ કેન્સલ કર્યા બાદ એક મહિલાને ડ્રાઈવરે મોબાઈલ પર અશ્લીલ ફોટા અને વીડિયો મોકલવાનું શરુ કરી દીધુ હતુ અને જેના કારણે આ મહિલા એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે પોલીસનો સહારો લીધો હતો અને આ મામલે ફરિયાદ નોંધાયા બાદ આરોપી ડ્રાઈવરની શોધખોળ શરુ કરી છે.
32 વર્ષીય મહિલાને 6 વર્ષની પુત્રી અને નવ મહિનાનું બાળક છે અને તેની દિકરી ચાલવા માટે તૈયાર ન હતી તેથી એણે કેબ વુક કરાવી હતી પરંતુ બાદમાં તેની પુત્રીએ રડવાનું શરુ કરી દેતાં અને તેને ઓટો મળી જતાં તેણે કેબ રાઈડ કેન્સલ કરી હતી. જેના માટે તેણે 60 રૂપિયા પણ ચુકવ્યા હતા.
જો કે, આમ છતાં પણ દિનેશ નામના ડ્રાઈવરે તેને વારંવાર ફોન કર્યો અને તેને કેબ લેવા કહ્યું કારણ કે તે પીકઅપ કરવા માટે પહેલેથી જ 5 કિમી ચલાવી ચૂક્યો હતો. તે આગ્રહ કરી રહ્યો હતો કે તે લોકેશન પર પહોંચી ગયો છે. આ માટે મહિલાએ ડ્રાઈવરની માફી માંગી અને કહ્યું કે બાળક રડી રહ્યું હતું તેથી તેને ઓટો લેવી પડી. આમ છતાં ડ્રાઈવરના સતત કોલ અને મેસેજ ચાલુ રહ્યા અને પછી વોટ્સએપ પર અશ્લીલ વીડિયો અને ફોટાનો મારો ચલાવ્યો. કેબ ડ્રાઈવરે મહિલાને એટલી હેરાન કરી કે તે રડી રહી હતી જેથી તેના પાડોશીઓએ ફોન લઈ લીધો અને ડ્રાઈવરને ઠપકો આપ્યો. ત્યારબાદ તેણે મેસેજ ડિલીટ કરીને કોલ કરવાનું બંધ કરી દીધું પણ આ ડ્રાઈવરને સબક શિખવવા 9 ઓક્ટોબરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે IPC (યૌન ઉત્પીડન) અને IT એક્ટની કલમ 354A હેઠળ કેસ નોંધી તપાસ હાથ ધરી છે.