પે એન્ડ પાર્કના વિવાદી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા ઈન્ટુકની માંગ
- પિતા અને બે પુત્રોના નામે ત્રણ સંસ્થાઓ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટના નામે લૂંટ ચલાવતી, ગોબાચારી આચરતી હોવાની ફરિયાદ
- બ્લેક લિસ્ટ કરવા ઠરાવ થઈ ગયો હોવા છતાં સ્થાયી સમિતિ રજુઆત સાંભળશેઃ શાસકપક્ષના કોઈ મોટામાથાની ઓથ હોવાની ચર્ચા
ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (ઈન્ટુક)એ આજે સુરત મ્યુનિ. કમિ. અને સ્થાયી સમિતિને એક આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં વિવાદી પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. ઈન્ટુકના પ્રવક્તા શાન ખાને આવેદનપત્ર ટાંકતા જણાવ્યું છે કે નિયમ વિરુદ્ધ એક જ પરિવારમાં ત્રણ પેઢી કાર્યરત છે. જેમાં પિતા વિઠ્ઠલ સુતરીયા સુવિધા ફેશન્સ અને બે પુત્રો પૈકી એક વિજય સુવિધા એક્ઝીમ અને અન્ય પુત્ર ભરત સત્કાર એન્ટરપ્રાઈઝ નામે સંસ્થા ચલાવે છે. પોતાની વગ દ્વારા તેમણે અગાઉ અને હાલમાં પણ સુરત મહાનગરપાલિકાના કેટલાક પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ લીધાં છે, જે સતત વિવાદમાં રહ્યાં છે.
શાન ખાન મુજબ આ કોન્ટ્રાક્ટરો વાહન પાર્ક કરનારા પાસધારકોને લાંબા સમયગાળાના પાસ ઈશ્યુ કરી આપે છે. એટલે કે એક મહિનાને બદલે છ મહિના સુધીના પાસ ઈશ્યુ કરે છે અને ક્યારેક તો આ અવધિ તેમના કોન્ટ્રાક્ટ પીરિયડ કરતાં આગળ નીકળી જાય છે. અગાઉના તેમના કોન્ટ્રાક્ટમાં પણ આવું થયું હતું અને લાખો રૂપિયા વાહનચાલકો પાસે વસૂલી લીધાં બાદ નવા કોન્ટ્રાક્ટરને નુક્સાન વેઠવું પડ્યું હતું. આ ઉપરાંત વાહન પાર્કિંગનો વધુ ચાર્જ વસૂલવાની ફરિયાદો પણ તેમના વિરુદ્ધ અનેક વખત થઈ ચુકી છે. છતાં આજદિન સુધી તેમના વિરુદ્ધ કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી.
ગઈ તા. 2જી ફેબ્રુ.ના રોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વરાછાના એક પે એન્ડ પાર્કની ફરિયાદો મુદ્દે ચોક્કસ કારણો સાથે આ વિવાદી કોન્ટ્રાક્ટર સુવિધા ફેશન્સને બ્લેક લિસ્ટ કરવાનો ઠરાવ કરાયો હતો. જો કે આશ્ચર્યજનક રીતે હવે તા. 14મીની મળનારી બેઠકમાં આ કોન્ટ્રાક્ટરને રજુઆત માટે રૂબરૂ બોલાવાયો છે. સ્થાયી સમિતિના આવા પક્ષપાતી વલણથી પાલિકાના ભાજપ શાસકો તેમજ સમગ્ર પક્ષની છબી બગડી રહી છે, ત્યારે સ્થાયી સમિતિ આ કોન્ટ્રાક્ટરને તુરંત બ્લેક લિસ્ટ કરે તેવી માંગ ઈન્ટુક દ્વારા કરવામાં આવી છે.