સુરત પાલિકાના લાલગેટના પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ લૂંટ
- વકીલ પાસે કાર પાર્કિંગના કલાકના 25ને બદલે 50 રૂપિયા માંગ્યા, વિરોધ કર્યો છતાં 30 રૂપિયા પ્રમાણે 350 ઉસેટ્યા
- અનેક ફરિયાદો છતાં કોન્ટ્રાક્ટરનો વાળ વાંકો થતો નથી, વકીલે હવે પોલીસમાં અરજી કરતાં કાર્યવાહીની શક્યતા
સુરત મહાનગરપાલિકાના અનેક પે એન્ડ પાર્કમાં નિયમ વિરુદ્ધ વધુ રુપિયા ખંખેરાતાં હોવાની રાવ છેલ્લા ઘણાં વર્ષોથી ઉઠી છે. આ અંગે અનેક વાહનમાલિકો દ્વારા ફરિયાદો થતી આવી છે, પરંતુ પાર્કિંગના કોન્ટ્રાક્ટરો જાણે મનપાના અધિકારીઓના માનીતા હોય તેમ આડેધડ લૂંટ ચલાવનારા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરાતી જ નથી અને તેઓ ફાટીને ધુમાડે ગયા છે.
અલબત્ત આંબાવાડી કાલીપુલ ખાતે રહેતાં આમીર શેખને પણ આવો કડવો અનુભવ થતાં તેમણે ન્યાય માટે લાલગેટ પોલીસ મથકમાં અરજી કરી છે.
આમીર શેખે જણાવ્યું કે તેઓ પોતાની કાર રાણીતળાવ લાલગેટ વિસ્તારના પાલિકાના પે એન્ડ પાર્કમાં પાર્ક કરવા ગયા હતાં. મનપાનો નિયત કરેલો ભાવ કલાકના 25 રૂપિયા છે, પરંતુ કોન્ટ્રાક્ટરે વકીલ પાસેથી કાર પાર્કિંગના 6થી 7 કલાક ગણાવી 50 રૂપિયા લેખે 350 માંગ્યા હતાં.
વકીલે નિયમ બતાવ્યો તો કોન્ટ્રાક્ટરે ઉડાઉ જવાબ આપવા શરૂ કર્યાં. વકીલે ફરિયાદની વાત કરી તો પણ છેવટે કલાકના 30 રૂપિયા ગણીને નિયમ વિરુદ્ધ વધુ રકમ તો ખંખેરી જ લીધી. જેથી વકીલે પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવ્યું અને પોલીસ પાસે ન્યાય માંગ્યો છે.
નોંધનીય છે કે રાણીતળાવ લાલગેટના મનપાના પે એન્ડ પાર્કના આ કોન્ટ્રાક્ટર આર. ટી. કોર્પેોરેશન વિરુદ્ધ અગાઉ પણ અનેક પ્રકારની ગંભીર ફરિયાદો થઈ ચૂકી છે પરંતુ મનપાના અધિકારીઓ તેને છાવરતાં હોય તેવું વર્તન છે.
વકીલ આમીર શેખ સાથે કોન્ટ્રાક્ટરના માણસોએ માથાકૂટ થતાં ત્યાં સુધી કહ્યું હતું કે હવે અહીં ફરીથી પાર્કિંગ કરવા આવતા નહીં. ત્યારે કોન્ટ્રાક્ટરના આવા વર્તનને કારણે સુરત મહાનગરપાલિકાની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. મનપાના શાસકો અને વહીવટી તંત્ર શહેરીજનોની સુવિધા અને સુખાકારી બાબતે અનેક પ્રયત્નો કરે છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટરો તેમની ઈમેજને હાનિ પહોંચાડી રહ્યા છે. જેથી લાલગેટ પોલીસ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.