યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાનને જાનથી મારી નાંખવા ધમકી
- કમેલા સંજયનગરના માથાભારે ઈસ્લામ પઠાણ ઉર્ફે પરવાના ગોલ્ડને સોપારી લઈ ધમકી આપી હોવાનો ખુલ્લો આક્ષેપ
- મ્યુનિ. કમિ.ને ફરિયાદ કરતાં પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર સુવિધા ફેશન્સના સંચાલકોએ સોપારી આપી, ગુનો દાખલ કરવા અરજ
ભારતીય યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ઉપરાંત ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (ઈન્ટુક)ના સુરત શહેરના પ્રવક્તા 31 વર્ષીય શાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાની ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ છે. શાન ખાને આજે સુરત શહેર પોલીસ કમિશનરને એક પત્ર લખી પોતાની જાનને ખતરો હોવાની કેફિયત રજુ કરવા સાથે સામાવાળાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા અરજ કરી છે.
શાન મોહંમદ ખાને પત્રમાં જણાવ્યું છે કે થોડા દિવસો પૂર્વે સુરત મહાનગરપાલિકામાં પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ચલાવતાં સુવિધા ફેશન્સ, સુવિધા એક્ઝીમ અને સત્કાર એન્ટપ્રાઈઝ વિરુદ્ધ ઈન્ટુક દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ કોન્ટ્રાક્ટરોની ગેરરીતિ બદલ પગલાં ભરવાની માંગ કરી હતી. આ આવેદનપત્રમાં શાન ખાને પણ સહી કરી હતી.
દરમિયાન શાન ખાનને એવી જાણ થઈ હતી કે કમેલા સંજયનગર ખાતે રહેતો માથાભારે ઈસ્લામ પઠાણ ઉર્ફે પરવાના ગોલ્ડન તા. 15મીની સાંજે સાતેક વાગ્યાના સુમારે ઈન્ટુકના સુરત શહેર પ્રમુખ ઉમાશંકર મિશ્રા પાસે ગયો હતો. તેણે શાન ખાનના નામે ગંદી ગાળો આપી ધમકી ઉચ્ચારી હતી કે શાન ખાન સુવિધા ફેશન્સ, સુવિધા એક્ઝીમ અને સત્કાર એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ હવે અવાજ ઉઠાવશે તો તેનું મર્ડર કરી નાંખીશું.
શાન ખાને પોલીસ કમિશનરને પત્ર દ્વારા વિનંતી કરી છે કે પે એન્ડ પાર્કના માફિયા ઈજારેદાર તેમજ સોપારી લેનારા માથાભારે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા અને મારા તેમજ મારા પરિવારને કાયદાનું રક્ષણ આપવા મહેરબાની કરશો.