POK ઉપર કબ્જો કરવા અમે તૈયાર, બસ સરકાર આદેશ કરેઃ આર્મી
નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ હુંકાર ભણ્યો, સરકારના નિર્દેશનું પાલન કરાશેઃ આતંકવાદીઓ હવે બૌખલાઈ ગયા છે એટલે નિઃશસ્ત્ર નિર્દોષ લોકોને મારી રહ્યાં છે, ટારગેટ કિલિંગ નહીં ચલાવી લેવાશે
મોદી સરકારે અડગતાથી કાશ્મીરના પ્રશ્નો હલ કરવાનું શરૂ કર્યું છે અને એમાં ખાસ્સી સફળતા પણ પ્રાપ્ત થઈ છે. કલમ 370 રદ કર્યા બાદ કાશ્મીરમાં પરિવર્તન શરૂ થયું છે, અલબત્ત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ગતિવિધિઓ ઓછી થવાનું નામ લેતી નથી. જેથી હવે સરકારે સરહદ વટાવવાની ગર્ભિત ધમકી આપી દીધી છે. રાજનાથના થોડા દિવસો પૂર્વેના POK વિષે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ભારત ફરી તે પોતાના કબ્જામાં લઈ લેશે. જો કે હવે ભારતીય સેનાના નોર્ધન આર્મી કમાન્ડરે પણ નિવેદન કરી દીધું છે કે અમે તૈયાર છીએ, સરકાર બસ નિર્દેશ કરે એટલી વાર.
1947માં આઝાદી બાદ ભારતના ભાગલાં પડ્યાં ત્યારે પાકિસ્તાને કાશ્મીરનો કેટલોક ભાગ જે ભારતના હિસ્સામાં હતો તેના પર કબ્જો જમાવી દીધો હતો અને આજે પણ કબ્જો પાકિસ્તાન પાસે જ છે. જેથી તેને POK (Pakistan Occupied Kashmir) એટલે કે પાકિસ્તાનના કબ્જા હેઠળનું કાશ્મીર કહેવાય છે. પાકિસ્તાને પોતાના કબ્જા હેઠળના તે કાશ્મીરમાં લોકો ઉપર ભારે અત્યાચાર ગુજાર્યો છે અને હજુ પણ તે ચાલુ જ છે. એટલું જ નહીં, ભારતમાં આતંકવાદ ફેલાવવા તેમજ આતંકવાદીઓને ટ્રેનિંગ આપવા કે પછી તેમને ભારતમાં ઘુસાડવા માટે પાકિસ્તાન POKનો દુરૂપયોગ કરી રહ્યું છે.
જેથી જ મોદી સરકારના શાસનમાં કાશ્મીરના પ્રશ્નો હલ કરવા સાથે POK ઉપર પણ બાજનજર રાખવામાં આવી રહી છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરનો કબ્જો ભારત ફરીથી લઈ શકે છે તેવો નિર્ણય જાહેર કરી દેવાયો છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ થોડા દિવસો પૂર્વે પાકિસ્તાનને તેની વર્તણુંક અંગે ચેતવણી આપી હતી અને સાથે જ કહ્યું હતું કે ભારત POKનો કબ્જો આંચકી લેશે.
મોદી સરકારનું આ નિવેદન સૂચક છે. કારણકે કલમ 370 રદ્દ કરવા ઉપરાંત કાશ્મીરમાં આતંકવાદને કચડી નાંખવાના અનેક પગલાં લેવા શરૂ કરાયા છે. એટલું જ નહીં, થોડા મહિનાઓ પૂર્વે જ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને આતંકવાદીઓના અડ્ડાઓ ફૂંકી માર્યા હતાં. આમ ભારતે પોતાના તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે POK ઉપર કબ્જો કરી લેવાના નિવેદનને પણ ગંભીરતાથી લેવાઈ રહ્યું છે.
રક્ષામંત્રી રાજનાથના નિવેદન બાદ ભારતીય સેનાના નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે નિવેદન કર્યું હતું કે અમે POK ઉપર કબ્જો કરવા તૈયાર છીએ, સરકાર બસ નિર્દેશ કરે તેની રાહ જોઈ રહ્યાં છીએ. દ્વિવેદીએ ઉમેર્યું કે તેઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર છે, જે પ્રમાણે સરકારનો આદેશ હશે, તે મુજબ કામ કરાશે. તેમણે પાકિસ્તાનને પણ ચેતવણી આપતાં કહ્યું છે કે તે વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેને જડબાતોડ જવાબ અપાશે. સરહદ ઉપર શાંતિ જાળવવાની જવાબદારી બંને દેશોની છે. પરંતુ પાકિસ્તાનો જો કોઈ ખોટું પગલું ભરે છે તો તેના માઠા પરિણામ ભોગવવા પણ તેણે તૈયાર રહેવું પડશે.
દ્વિવેદીએ વધુમાં કહ્યું હતું કે ભારતની કાર્યવાહીથી આતંકવાદીઓ અકળાઈ ઉઠ્યા છે અને તેથી જ તેઓ નિઃશસ્ત્ર નિર્દોષ લોકોને ગોળી મારવાનું દુષ્કૃત્ય આચરી રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે કાશ્મીરમાં યુવાનોને શિક્ષણ મળવું જોઈએ. ભારતીય સેનાના પ્રયાસ છે કે યુવાનોને આતંકવાદના રસ્તે વળતાં રોકે, યુવાનોને ગેરમાર્ગે દોરનારા તત્વોને જેર કરવામાં આવશે.
નોંધપાત્ર છે કે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદન બાદ થોડા દિવસો પહેલાં ચિનાર કોપ્સે પણ આવું જ નિવેદન જારી કર્યું હતું. જેમાં કહેવાયું હતું કે ભારતીય સેનાના જવાનો તૈયાર છે, તત્પર છે, બસ સરકારના આદેશની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે આર્મીના નોર્ધન કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ દ્વિવેદીના આ નિવેદનથી POK પર કોઈ કાર્યવાહી થવા જઈ રહી છે તેવી ચર્ચાને હવા મળી છે.