પીએમ મોદીએ લાલ કિલ્લાથી દેશવાસીઓને આપી સ્વતંત્રતાપર્વની શુભેચ્છા
આજે સમગ્ર દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે આ અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશવાસીઓને સ્વતંત્રતાપર્વની શુભકામનાઓ પાઠવી હતી.
આ શુભકામનાઓ સાથે જ સ્વતંત્રતા દિવસના અવસરે પીએમ મોદીએ મણિપુર હિંસા મુદ્દે પોતાની વાત રજૂ કરીને શાંતિની અપીલ કરતાં કહ્યું હતું કે, દેશ મણિપુરના લોકો સાથે છે. સમાધાન ફક્ત શાંતિથી જ લાવી શકાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાધાન શોધવાના તમામ પ્રયત્નો કરી રહી છે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ મોદીની ગેરંટી છે કે દેશ આગામી પાંચ વર્ષમાં દુનિયાની ટોપ 3 ઈકોનોમીમાં સામેલ હશે. પીએમ મોદીએ કહ્યું કે 2014માં જ્યારે અમે સત્તા પર આવ્યા તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણે 10માં સ્થાન પર હતાં. આજે 140 કરોડ ભારતીયોના પ્રયત્નોથી આપણે વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં પાંચમા નંબરે પહોંચી ગયા છીએ. આ એમ જ નથી થઈ ગયું. જ્યારે ભ્રષ્ટાચારના રાક્ષસે દેશને પોતાની પકડમાં લઈ લીધો હતો ત્યારે અમે તેને રોક્યો અને એક મજબૂત અર્થવ્યવસ્થા બનાવી.
સાથે જ પીએમ મોદીએ વિશ્વકર્મા જયંતિ પર એક નવી યોજનાની શરુઆત કરવાની જાહેરાત કરી છે. સરકાર આ યોજના દ્વારા પરંપરાગત કૌશલવાળા લોકોને મદદ પહોંચાડશે. તેમાં સોની, લુહાર, વાણંદ, ચમાર, સુથાર જેવા પરંપરાગત કૌશલવાળા લોકોને સામેલ કરવામાં આવશે અને તેમને આ મદદ પહોંચાડવામાં આવશે.