શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ
- શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ લિંબાયતના પ્રમુખ રવિન્દ્ર પાટીલ અને ધારાસભ્ય સંગીતાબેન પાટીલે રેલીને પ્રસ્થાન કરાવ્યું
- આબાલવૃદ્ધ હજારોની સંખ્યામાં રેલીમાં જોડાયાઃ લિંબાયતના વિવિધ વિસ્તારોમાં યુગપુરૂષ શિવાજી મહારાજનો જયજયકાર થયો
ભારતમાતા અને હિન્દુત્વના સન્માન માટે આજીવન લડનારા અજેય યોદ્ધા યુગપુરૂષ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ, લિંબાયત દ્વારા જન્મજયંતિના દિવસે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીનું પ્રસ્થાન સમિતિના પ્રમુખ તેમજ મહારાષ્ટ્રીય સમાજના અગ્રણી ડો. રવિન્દ્ર પાટીલ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા લિંબાયતના શેખરકુમાર કોચિંગ ક્લાસીસથી કરાવવામાં આવ્યું હતું. રેલીમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સ્ત્રી-પુરૂષો ઉત્સાહભેર જોડાયા હતાં. છત્રપતિ શિવાજી મહારાજ અને હિન્દુત્વ, ભારતમાતાના જયજયકાર સાથે રેલી નિલગીરી સર્કલ, સુભાષનગર સર્કલ જેવા વિસ્તારોમાં ફરી સંજયનગર સ્મારક ખાતે સંપન્ન થઈ હતી.
રેલીમાં ઢોલ-નગારા ઉપરાંત રેલીમાં ભાગ લેનારા લોકોના વિશેષ વસ્ત્રો-આભૂષણો, માથા ઉપર ફેંટા, મહારાષ્ટ્રીયન સ્ટાઈલનો પહેરવેશ, સાડી-બાંધણી, વિગેરે નયનાકર્ષક રહ્યાં હતાં. સાથે જ યુવક-યુવતીઓએ લેઝીમ સહિતના નૃત્યો પણ રેલી સાથે કર્યા હતાં.
ડો. રવિન્દ્ર પાટીલે આ પ્રસંગે છત્રપતિ શિવાજી મહારાજના જીવનને બિરદાવી લોકોને બોધપાઠ લેવા અપીલ કરી હતી. સાથે જ ભારતમાતાની રક્ષા, સન્માન, હિન્દુત્વ, હિન્દુ એકતા, જેવા વિષયો પર પણ લોકોને ચાલવા માટે આગ્રહ કર્યો હતો. રેલી સાથે જ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ, પુષ્પવર્ષા કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે મહારાષ્ટ્રીયન સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.