સમલૈંગિક લગ્નને માન્યતા નહિ: SC એ આપ્યો ચુકાદો
દેશભરમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર દરેકની નજર હતી ત્યારે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દેતાં અરજીકર્તાઓને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે 3-2થી ચુકાદો આપ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે બાકી સિવિલ અધિકાર માટે જવાબદારી કેન્દ્ર સરકાર ઉપર નાખીને સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફાર કરવાની ના પાડી છે.
સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટમાં 5 જજોની બંધારણીય બેંચ પોતાનો અલગ-અલગ ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આ કોર્ટ કાયદો બનાવી શકતી નથી, તે માત્ર તેનું અર્થઘટન અને અમલ કરી શકે છે. સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓમાં ફેરફારની જરૂર છે કે કેમ તે નક્કી કરવાનું કામ સંસદનું છે. જો કે, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી 21 અરજીઓમાં અરજદારોનું કહેવું છે કે 2018માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સમલૈંગિકતાને અપરાધ માનતા IPCની કલમ 377નો એક ભાગ રદ કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું હતું કે દરેકને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. આ સાથે જ આર્ટિકલ 21 હેઠળ સન્માન સાથે જીવવું એ મૂળભૂત અધિકાર છે. સરકારે પોતે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જોઈએ. લગ્ન ચોક્કસપણે કાયદાકીય દરજ્જો છે, પરંતુ તે મૂળભૂત અધિકાર નથી.