November 22, 2024

ગૃહરાજ્યમંત્રી સંઘવીના હસ્તે નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ

  • પોલીસ જવાનોની સુવિધા વધારવા 2ને બદલે 3 રૂમોઃ 12 માળના ટાવરોમાં કબાટ, કિચન, લિફ્ટ, જનરેટર સહિતની સુવિધા
  • ગૃહરાજ્યમંત્રી સંઘવીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસકર્મીઓનું બહુમાનઃ સાંસદ સીઆર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યાં

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા કુલ રૂ.૩૨ કરોડના ખર્ચે સુરત શહેરના ગોલીબાર પોલીસ લાઈન (પીપલોદ) ખાતે કક્ષા બી-૧૯૨ (G+૧૨) તથા સચિન પોલીસ લાઈન ખાતે કક્ષા બી-૩૨ (G+૦૮) નવનિર્મિત પોલીસ આવાસોનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે આ વેળાએ લોનમેળા અંતર્ગત શેષ લાભાર્થીઓને લોનના ચેકો અને શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસકર્મીઓને બહુમાન કરી પ્રશંસાપત્રો અર્પણ કર્યા હતા.

પોલીસ જવાનોને સુવિધાયુકત રહેણાંક મળી રહે તે માટે અગાઉ બે રૂમને બદલે હવે રસોડા સાથે ત્રણ રૂમો બનાવવામાં આવ્યા છે. ૧૨ માળના ટાવરોના આવાસોમાં વુડન કબાટ તથા મોડયુલર કિચન સવલત સાથે લિફ્ટ, જનરેટર, પાર્કિંગ શેડ, ગેસ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા કોન્સ્ટેબલોના જીવનમાં નવી ઉર્જા આવે તેવા આશયથી આધુનિક સુવિધાયુક્ત આવાસોનું નિર્માણ કર્યું છે. પોલીસ વિભાગની દોડધામભરી કામગીરી બાદ ઘરે આવીને અહીં શાંતિનો અહેસાસ થશે.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલાં સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું કે, સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ વિભાગની અગત્યની ભૂમિકા છે. ગુનેગારોને પકડવામાં પોતાના જીવની પરવાહ પણ ઝાંબાઝ પોલીસને હોતી નથી. વ્યાવહારિક જીવનમાં પોલીસ, પત્રકાર અને પોલિટીશ્યન આ ત્રણે વ્યક્તિઓ જાગૃત હોય છે, ત્યારે સમાજનો સુવર્ણકાળ અને સભ્ય સમાજનું નિર્માણ થાય છે.

આ અવસરે વિવિધ ગુનાઓના ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલીને આરોપીઓને પકડી પાડનાર સુરત શહેર ક્રાઈમ બ્રાંચ ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગણપતિ મહોત્સવ-૨૦૨૨માં શિસ્ત અને કાયદો વ્યવસ્થાને જાળવી ઉજવણી કરનાર મંડળને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *