July 7, 2025

કુલ્લુમાં ભુસ્ખલન:સેકન્ડોમાં મકાનો થયા કડડભુસ

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સવારે 30 સેકન્ડની અંદર 7 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વહીવટીતંત્રે આ ઇમારતોને ત્રણ દિવસ અગાઉથી ખાલી કરાવી દીધી હતી. આસપાસની 2-3 ઈમારતો હજુ પણ જોખમમાં છે જેથી અહીં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે ત્યારે રાજ્યની રાજધાની શિમલામાં 2017 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં 122 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. હિમાચલના મંડી, શિમલા અને સોલનમાં છેલ્લા 24 કલાકમાં વાદળ ફાટવાની 4 ઘટનાઓ સામે આવી છે. રાજ્યમાં 1 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 3 શિમલામાં જ્યારે 8 મંડીમાં મૃત્યુ પામ્યા છે. આ દરમિયાન 18 વાહનોને પણ નુકસાન થયું હતું. સાવચેતીના પગલા તરીકે શિમલામાં ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. શિમલામાં લગભગ 35 ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેમજ દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.