મુંબઈમાં ભારે વરસાદ, ચોમાસાની પણ એકાદ-બે દિવસમાં એન્ટ્રીની શક્યતા
- દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદને પગલે જનજીવનને અસર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુલાકાત લઈ જરૂરી આદેશ આપ્યા
- શનિવારની સાંજથી શરૂ થયેલા વરસાદે મુંબઈગરાને હેરાન કર્યા, અંધેરી સબ-વે બંધ કરાયો, 48 કલાક યેલો એલર્ટ જારી
રેગ્યુલર ચોમાસુ ટૂંકમાં જ મુંબઈ પહોંચવાનું છે, ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીઝ હેઠળ મુંબઈમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. શનિવારે મુંબઈના અનેક વિસ્તારોમાં બેથી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ રવિવારની સવારથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ જ્યારે મુંબઈ, પાલઘર, થાણે અને સિંધુદુર્ગ માટે યેલો એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગે એવું ઉમેર્યું છે કે શનિવારથી શરૂ થયેલો વરસાદ રેગ્યુલર ચોમાસાનો નહીં, પરંતુ પ્રિ-મોનસૂન એક્ટિવીટીનો છે. અલબત્ત ચોમાસુ નજીક આવી પહોંચ્યું છે અને 48 કલાકમાં જ રેગ્યુલર ચોમાસાનો વરસાદ મહારાષ્ટ્ર, મુંબઈને આવરીને આગળ વધી શકે છે.
મુંબઈના હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં 104 મિ.મિ., પૂર્વીય વિસ્તારમાં 123 મિ.મિ. જ્યારે પશ્ચિમી વિસ્તારમાં 139 મિ.મિ. વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે મુંબઈગરાના જનજીવનને અસર થઈ છે. અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જ્યારે અંધેરીમાં ભારે વરસાદને પગલે સબ-વે બંધ કરવાની નોબત આવી હતી.
આગામી દિવસોમાં વરસાદ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને ક્રમશઃ વરસાદનું જોર સતત પાંચેક દિવસ સુધી વધતું રહેશે તેવી આગાહી કરી છે. દરમિયાન રવિવારે મુંબઈના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થતાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આવા વિસ્તારોની મુલાકાત લઈ સાવચેતીને સંલગ્ન જરૂરી આદેશ તંત્રને આપ્યા છે.