સુરતમાં ભારે વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા, વરાછામાં ચાર કલાકમાં બે ઈંચથી વધુ પાણી ઝીંકાયું
સુરત અને જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ તૂટી પડ્યો હતો. જો કે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સુરત શહેરમાં ઠીક ઠીક વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરાછા બી ઝોનમાં ચાર કલાકમાં 52 મિ.મિ. એટલે કે બે ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. જ્યારે વરાછા એ ઝોનમાં 37 મિ.મિ., સેન્ટ્રલ ઝોનમાં 36 મિ.મિ., રાંદેર ઝોનમાં 34 મિ.મિ., કતારગામ ઝોનમાં 24 મિ.મિ., લિંબાયત ઝોનમાં 12 મિ.મિ., અઠવા ઝોનમાં 7 મિ.મિ. અને સૌથી ઓછો ઉધના ઝોનમાં 5 મિ.મિ. વરસાદ થયો છે.
દરમિયાન ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા દરમિયાન જિલ્લાના આંકડા જોઈએ તો સુરત સિટીમાં 19 મિ.મિ., કામરેજમાં 8 મિ.મિ., ઓલપાડમાં 5 અને ચોર્યાસીમાં 4 મિ.મિ. વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા સુરત શહેર સહિત દ.ગુ.માં સામાન્ય હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.