મુંબઈ, ગુજરાતમાં તોફાની પવન, વીજળી સાથે માવઠાની આગાહી
- બ્રેકિંગઃ મુંબઈના કેટલાક ભાગોમાં 30થી 40 કિ.મી.ની ઝડપના પવન તેમજ વીજળી સાથે વરસાદ થવાની શક્યતાઃ IMD મુંબઈ
- બ્રેકિંગઃ ગુજરાતના પણ 12 જેટલા જિલ્લામાં 40 કિ.મી. સુધીની ઝડપના તોફાની પવનો, વીજળી સાથે માવઠા થવાની આગાહી
માર્ચ મહિનો માથે ચઢ્યો છે અને હોળી પણ ઠંડી નથી પડી, ત્યાં ગરમીને બદલે વરસાદી માવઠાંની આગાહી થતાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે મોડી સાંજે ભારતીય હવામાન વિભાગના મુંબઈ તેમજ ગુજરાત પ્રભાગ દ્વારા તોફાની પવનો અને વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાંજે 7.30 વાગ્યાના અરસામાં ANI દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે. જે મુજબ IMD મુંબઈ દ્વારા આગામી ત્રણથી ચાર કલાકમાં ભારે માવઠાંની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ મુંબઈના કેટલાક આઈસોલેટેડ વિસ્તારોમાં 30થી 40 કિ.મી.ની ઝડપ સુધીના તોફાની પવનો તેમજ વીજળી સાથે વરસાદ થઈ શકે છે.
આ સાથે જ ગુજરાત માટે કહેવાયું છે કે આગામી ત્રણથી ચાર કલાકમાં 12 જેટલા જિલ્લામાં માવઠાં થઈ શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. આગાહી મુજબ વરસાદ સાથે પવનોની ઝડપ 40 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે અને વીજળી પણ થઈ શકે છે. આ બંને આગાહીઓના પગલે સ્થાનિક તંત્રોને એલર્ટ આપવામાં આવ્યું છે.