HCLના સ્થાપક શિવ નાદર બન્યા દેશના સૌથી મોટા દાનવીર
રૂ. 1,161 કરોડના દાન સાથે ટોચ ઉપર પહોંચ્યા, લાંબા સમયથી ભારતના શ્રેષ્ઠ દાનવીર રહેલાં અઝીમ પ્રેમજી (રૂ. 484 કરોડ)ને પાછળ છોડ્યાઃ હુરૂન ઈન્ડિયા પરોપકારીની યાદીમાં રૂ. 411 કરોડના દાન સાથે મુકેશ અંબાણી ત્રીજા સ્થાનેઃ ઈન્ફોસિસના નંદન નિલેકણીના પત્ની રોહિણી, રૂ. 120 કરોડના દાન સાથે દેશની સૌથી મોટી મહિલા દાનવીર
માનવતાની વાત આવે એટલે પરોપકાર, દાન, દીનસેવા જેવા શબ્દો સ્વાભાવિક રીતે જ આંખ સામે તરતાં થઈ જાય છે. દરેક ધર્મમાં આ પ્રવૃત્તિઓ વંદનીય રહી છે. ત્યારે સૌથી વધુ સેવા અને ખાસ કરીને આર્થિક દાનની પ્રવૃત્તિ સમયાંતરે નોંધપાત્ર બની છે. તાજેતરમાં જ હુરૂન ઈન્ડિયા દ્વારા પરોપકાર અંગેની એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ભારત દેશના સૌથી મોટા દાનવીરોના નામોના સમાવેશ કરવામાં આવ્યા છે.
આ નવી યાદી મુજબ દેશના સૌથી મોટા દાનવીર તરીકેનું ટોચનું સ્થાન HCLના સ્થાપક શિવ નાદરે લઈ લીધું છે. શિવ નાદરે કુલ રૂ. 1,161 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. નોંધનીય વાત એ રહી છે કે છેલ્લા ઘણાં વર્ષોથી ભારત દેશના સૌથી મોટા દાનવીર તરીકે અઝીમ પ્રેમજીનું નામ ટોચના સ્થાને રહ્યું હતું અને તેમણે કુલ રૂ. 484 કરોડનું દાન કર્યું છે. અઝીમ પ્રેમજી વર્ષો સુધી આ સન્માનજનક ટોચ ઉપર રહ્યાં બાદ હવે તેમનું સ્થાન શિવ નાદરે લીધું છે.
હુરૂન ઈન્ડિયાની 2022ની પરોપકારની યાદીમાં દેશના સૌથી મોટા દાનવીરોમાં ત્રીજા નંબરે રિલાયન્સના મુકેશ અંબાણીનું નામ છે અને તેમણે રૂ. 411 કરોડ દાનમાં આપ્યા છે. આદિત્યા બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા રૂ. 242 કરોડના દાન સાથે ચોથા નંબરે છે. પાંચમા સ્થાને માઈન્ડ ટ્રીના સુબ્રતો બાગચી અને એન. એસ. પાર્થસારથી રહ્યાં છે અને તેમણે 213-213 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ બંને પહેલી વખત ટોપટેન દાનવીરોની યાદીમાં સ્થાન પામ્યા છે.
હાલમાં જ દેશના સૌથી અમીર વ્યક્તિ બનેલા ગૌતમ અદાણી આ યાદીમાં સાતમા સ્થાને રહ્યાં છે અને તેમણે રૂ. 190 કરોડ દાનમાં આપ્યાનું નોંધાયું છે. લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એ. એમ. નાઈકે 142 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ઝેરોધાના નીતિન કામથ અને નિખિલ કામથે રૂ. 100 કરોડનું દાન આપ્યું છે જે 300 ટકા વધુ છે. 36 વર્ષીય નિખિલ કામથ આ યાદીમાં સૌથી યુવા દાનવીર છે. ક્વેસ કોર્પના પ્રમુખ અજિત આઇઝેકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) બેંગ્લોરને રૂ. 105 કરોડનું દાન આપ્યું છે અને તેઓ 12મા ક્રમે છે. ઈન્ડિગો એરલાઈન્સના કો-પ્રમોટર રાકેશ ગંગવાલે સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી IIT કાનપુરને 100 કરોડ રૂપિયાનું દાન આપીને પ્રથમ વખત આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
હુરુન ઈન્ડિયા દાનવીરોની યાદી 2022 અનુસાર, યાદીમાં છ મહિલા દાનવીરોનો સમાવેશ થાય છે. રોહિણી નિલેકણી 120 કરોડ રૂપિયાના દાન સાથે મહિલાઓમાં સૌથી આગળ છે. લીના ગાંધી તિવારીએ 21 કરોડ રૂપિયા અને અનુ આગાએ 20 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.