ભારતના યુદ્ધવિમાન પરથી હનુમાનજીનો ફોટો હટાવી દેવાતાં વિવાદ
- એરો ઈન્ડિયા શોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ યુદ્ધાભ્યાસ માટેના વિમાનની પૂંછડી ઉપર હનુમાનજીનો ફોટો લગાડ્યો હતો
- સોશિયલ મીડિયામાં લોકોનો જુવાળ ફાટ્યો, હવે હિન્દુસ્તાન શબ્દમાંથી હિન્દુ શબ્દ પણ હટાવો તેવા પ્રકારની કમેન્ટ્સની સુનામી શરૂ
બેંગલુરુમાં ચાલી રહેલાં (HAL) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આયોજિત એરો ઈન્ડિયા શો-2023માં હિન્દુસ્તાન લીડ ઈન ફાઈટર ટ્રેનર (HLFT-42)નું એક સ્કેલ મોડેલ રસપ્રદ બન્યું હતું. કારણકે તેના પાછળના પૂંછના ભાગે હિન્દુ દેવતા હનુમાનજીની હાથમાં ગદા લઈને હુમલો કરતાં હોય તેવી તસવીર લગાડાઈ હતી. એટલું જ નહીં, સાથે એવું લખાણ હતું કે THE STORM IS COMING… એટલે કે તોફાન આવી રહ્યું છે. અલબત્ત હાલમાં જ ANI દ્વારા ટ્વિટ કરાયું છે કે HALએ હનુમાનજીની આ તસવીર હટાવી લીધી છે.
ANIના આ ટ્વિટમાં લોકોએ પોતાનો રોષ ઠાલવવો શરૂ કરી દીધો છે. કેટલાક યુઝર્સે એવી કમેન્ટ કરી છે કે હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાંથી હિન્દુ શબ્દ પણ હટાવી દો. કેટલાક યુઝર્સ એવી કમેન્ટ કરી રહ્યાં છે કે હવે સરકાર હનુમાનજીને બદલે કોઈ અન્ય ધર્મના ભગવાનનો ફોટો લગાડશે. કોઈ કહે છે આ થવાનું જ હતું, સરકારની કાર્યપદ્ધતિ જ આવી છે. કોઈએ કહ્યું કે એરોનોટિક્સ લિમિટેડનું નામ હવે બદલીને હિન્દુસ્તાનને બદલે સેક્યુલરિસ્તાન કરી દેવું જોઈએ.
એક યુઝર એવું લખે છે કે ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ હોવા છતાં ભૂતકાળનું સન્માન કરીને તેની એરલાઈન્સનું નામ ગરૂડા રાખ્યું છે, પરંતુ સેક્યુલર ભારતમાં ભગવાન હનુમાનજીને સ્થાન નથી. એક હતાશ યુઝર લખે છે, અરે મંગળવારે આવા સમાચાર, કાંઈ નહીં, બજરંગબલી HALની રક્ષા કરશે. મોટાભાગના યુઝર્સ એવો રોષ કાઢી રહ્યાં છે કે હનુમાનજીનો ફોટો કાઢવાનો જ હતો, તો લગાડ્યો જ શા માટે?
ટ્વિટર ઉપર યુઝર્સના રોષથી લાગી રહ્યું છે કે HALનું આ પગલું એક નવા વિવાદને જન્મ આપશે, કદાચ આપી દીધો છે.