પ્લેન પરથી હનુમાનજીનું ચિત્ર હટાવવાની કામગીરી વખોડવાપાત્ર
- કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાએ HALની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યો, બજરંગ દળ મૌન કેમ?
- હિન્દુત્વના કહેવાતા હામી વડાપ્રધાન મોદી હોવા છતાં વિદેશી દબાણ સામે ઝુકી જવું કેટલું યોગ્ય?
બેંગલુરુ ખાતે આયોજિત એશિયાના સૌથી મોટા એર શો એરો ઈન્ડિયામાં પ્રદર્શિત, વોરપ્લેનના મોડેલને લઈને વિવાદ શરૂ થયો છે. હકીકતમાં (HAL) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. દ્વારા વોર ટ્રેનર HTFL-42ની પૂંછડીના ભાગે હનુમાનજીની તસવીર લગાડવામાં આવી હતી. જો કે થોડા જ સમયમાં HALએ આ તસવીર હટાવી દીધી છે. HALની આ નીતિનો વ્યાપક વિરોધ શરૂ થયો છે.
સુરતના કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાએ સોશિયલ મીડિયામાં આ મુદ્દાને ઉછાળ્યો છે. તેમણે લખ્યું છે કે દેશના સંરક્ષણ મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપની હિન્દુત્વના કહેવાતા હામી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન હોવા છતાં વિદેશી દબાણમાં હનુમાનજીનું ચિત્ર હટાવી દે એ કેટલા અંશે યોગ્ય? સાયકલવાલાએ વધુમાં ઉમેર્યું છે કે બજરંગ દળ આ બાબતે મૌન કેમ છે? શું બજરંગ દળના સૈનિકોની આનાથી ધાર્મિક લાગણી નહીં દુભાઈ? કોંગી અગ્રણીએ વધુમાં લખ્યું છે કે હનુમાનજીનું ચિત્ર હટાવવા માટે HAL દ્વારા થયેલ કાર્યવાહીને હું વખોડું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે HALના આ પગલાંની સોશિયલ મીડિયામાં પણ ખાસ્સી આલોચના થઈ હતી. તો બીજી તરફ દેશભરના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાએ પણ આ સમાચારોને હાઈલાઈટ કર્યાં હતાં. ત્યારે જોવાનું એ રહે છે કે આ વિવાદ અહીંથી જ શમી જાય છે કે પછી તેને વધુ હવા મળશે?