તા. 13-14મીએ ફરી હળવા વાવાઝોડા સાથે માવઠાંની આગાહી
- ગાજવીજ અને 40 કિ.મી. સુધીના તોફાની પવનો સાથે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં વરસાદ થઈ શકે
- કચ્છમાં આવતીકાલથી 3 દિવસ માટે હિટવેવની પણ આગાહીઃ રાજ્યભરમાં તાપમાનનો પારો 36 ડિગ્રી કે તેથી વધુ રહી શકે
તમામ પંચાંગ અને કેલેન્ડરમાં ઉનાળો બેસી ગયો છે, પરંતુ વાતાવરણમાં સતત ફેરફારને કારણે ફરી માવઠાં થવાની શક્યતા હવામાન વિભાગ જોઈ રહ્યું છે. IMD (ઈન્ડિયન મિટીરીયોલોજીકલ ડીપા.) દ્વારા આજે એવી આગાહી કરવામાં આવી છે કે તા. 13-14એ રાજ્યના ઘણાં વિસ્તારોમાં હળવા વાવાઝોડા સાથે વરસાદ થઈ શકે છે, જેને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગે પાંચ દિવસની આગાહી જાહેર કરી છે. જેમાં તા. 10મીથી લઈને તા. 13મી સુધી રાજ્યભરમાં સૂકું ગરમ વાતાવરણ રહેવા તેમજ તાપમાનનો પારો 36 ડિગ્રીની આસપાસ રહેવાનું જણાવ્યું છે. આ ઉપરાંત તા. 10મીથી તા. 12મી સુધી ત્રણ દિવસ માટે કચ્છ ક્ષેત્રમાં હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે.
તા. 13-14ની આગાહી જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છ, અમરેલી જેવા વિસ્તારોમાં માવઠાં થઈ શકે. આ આગાહી હળવા વાવાઝોડાની છે જેમાં ગાજવીજ સાથે 40 કિ.મી. પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ભરઉનાળે આ વરસાદી માવઠાં માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જવાબદાર ગણાવાયું છે. ત્રણ દિવસ પૂર્વે પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું અને હજુ પણ ઉનાળા દરમિયાન માવઠાં થવાની શક્યતા હવામાન વિભાગ જોઈ રહ્યું છે. ત્યારે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.