ગુજરાતમાં ગુટખા-પાન મસાલા પર વધુ એક વર્ષનો પ્રતિબંધ લંબાવાયો

રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે ત્યારે નાગરીકોના આરોગ્યનું ધ્યાન રાખીને ૧૩ સપ્ટેમ્બર-૨૦૨૩થી આ પ્રતિબંધ વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ગંભીર હાની થતી હોય છે જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના આરોગ્યને જાળવી રાખવા માટે આ નિર્ણય કરાયો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિબંધ હોવા થતાં જાહેર સ્થળો પર લોકો પાન મસાલા અને ગુટખાનું સેવન કરીને આડેધડ પિચકારીઓ મારતા હોય તેવા દ્રશ્યો જાવા મળતા હોય છે ત્યારે આ પ્રતિબંધનું કેટલું પાલન થાય છે અને કોને સજા થાય છે તે જોવું રહ્યું.