Raid:ગુજરાતના ગોરખધંધા કરતાં સ્પા સેન્ટર પર પોલીસના દરોડા
ગુજરાતમાં સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા ગૃહ રાજ્યમંત્રી દ્વારા અપાયેલી સૂચના બાદ ગુજરાત પોલીસે રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડિંગ તથા હોટલ પર દરોડા પાડ્યા હતા. આ સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ ગુજરાત પોલીસની અલગ અલગ ટીમોએ એક જ દિવસમાં 851 સ્થળ પર રાજ્યવ્યાપી દરોડા પાડતાં સ્પા સંચાલકોમાં ફફડાય ફેલાઈ ગયો છે.
છેલ્લાં કેટલાંક સમયથી સ્પા કલ્ચર ફુલ્યુ ફાલ્યુ છે અને ઘણીવાર તેમાં ગોરખધંધા થતાં હોવાના બનાવો સામે આવતા રહે છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 851 સ્પા સેન્ટર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે અત્યાર સુધી 105 લોકોને ઝડપી પાડ્યા છે.
આ કાર્યવાહી દરમિયાન અમદાવાદમાં 24 કલાકમાં 350 જેટલા સ્પા સેન્ટરમાં તપાસ કરાઇ હતી જેની સાથે જાહેરનામા ભંગની 9 ફરીયાદ નોંધી 8 લોકોની ધરપકડ પણ કરાઈ છે. સુરતમાં 70થી વધુ સ્પા સેન્ટરોમાં દરોડા કરી 50 સ્પા સેન્ટરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ સાથે રાજકોટમાં 50થી વધુ સ્પા પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 13 સ્પા સેન્ટરો સામે કાર્યવાહી કરાઇ છે. વડોદરામાં 20થી વધુ સ્થળે દરોડો પાડી 2 સ્પા સેન્ટરો સામે કાર્યવાહી કરાઇ જ્યારે ભાવનગરમાં પણ 5 સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.