Heart Attack:ગુજરાતમાં 2 દિવસમાં હાર્ટ એટેકથી 15 નાં મોત
ગુજરાતમાં હાર્ટએટેક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. હવે તો યુવાનોમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માત્ર બે દિવસમા ગુજરાતમાં હાર્ટએટેકને કારણે 15 લોકોના જીવ ગયા છે. તો આજે ત્રણ લોકોને છાતીમા દુખાવો ઉપડતા મોત થયા છે. સુરત અને ખેડામાં હાર્ટ એટેકના કારણે વધુ 3 લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હાર્ટ એટેકના વધી રહેલાં પ્રમાણની તપાસ કરવા સુચન કર્યુ છે.
વિગતે વાત કરીએ તો, ખેડાના કઠલાલના છીપડીમા રહેતા 23 વર્ષીય યુવક દેવરાજ મનહરસિંહ ઝાલાને સવારે એકાએક છાતીમા દુખાવો ઉપડ્યો હતો. પરિવાર યુવકને હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. 23 વર્ષીય યુવકના મૃત્યુથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે ત્યારે સુરતમાં હાર્ટ અટેકના કારણે બે લોકોનાં મોત થયા છે. જેમાં 36 વર્ષના આબીદાખાતુ નામની મહિલા અને કામરેજના 40 વર્ષના સુશાંત નામના વ્યક્તિના મોત થયા છે. અચાનક છાતીમાં દુખાવા બાદ સુશાંતનું મોત થયું છે. આ સાથે જ અમદાવાદમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકના કારણે થયેલા મોતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. વટવામાં રહેતો રવિ પંચાલ હાથીજણમાં વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો. ગરબા દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો થતાં વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.
આ બધાની વચ્ચે આજે ત્યારે આજે પાટણમાં ખોડલધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે આ બનાવોને લઈ જાહેરમંચ પરથી ચિંતા વ્યકત કરીને કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને કહ્યું હતુ કે, ‘કોરોનાના કારણે હાર્ટ અટેક નથી થતો, કયા કારણોસર હાર્ટ અટેકનું પ્રમાણ વધ્યું છે તેની તપાસ થવી જોઈએ. નવરાત્રિમાં અનેક યુવાનોના ગરબા રમતાં-રમતાં મોત થયા છે તમામ લોકોનું એનાલિસીસ થવું જોઈએ.’