Gujarat:157 નગર પાલિકાઓને રોડ રિપેરીંગ માટે ૧૦૦ કરોડ ફાળવાયા
ચોમાસું હવે વિદાય લઈ ચુક્યું છે પરંતુ તેની નિશાનીરુપી ખાડાઓ રોડ પર જોવા મળી રહ્યા છે અને તે રાહદારીઓ અને વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે ત્યારે મુખ્યમંત્રીએ ચોમાસામાં વરસાદને કારણે નગરોના માર્ગો – રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી 157 નગર પાલિકાઓને કુલ 100 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનિય છે કે નગર પાલિકાઓને રસ્તાના રિપેરીંગ – રીસરફેસિંગ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ મારફતે શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જે સંદર્ભે 100 કરોડ રૂપિયા ફાલવવાની મંજુરી મળી જતાં આ રકમમાંથી ‘અ’ વર્ગની 22 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા એક કરોડ પ્રમાણે ૨૨ કરોડ રૂપિયા તેમજ ‘બ’ વર્ગની 30 નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા 80 લાખ પ્રમાણે કુલ 24 કરોડ રૂપિયા, ‘ક’ વર્ગની 60 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 60 લાખ મુજબ કુલ 36 કરોડ રૂપિયા અને ‘ડ’ વર્ગની 45 નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા 40 લાખ પ્રમાણે કુલ 18 કરોડ રૂપિયા આવા રોડ રીસરફેસિંગ કામો માટે ફાળવવામાં આવશે.