અરવલ્લીમાં અંધશ્રદ્ધાએ લીધો કિશોરીનો ભોગ
આજે ભલે લોકો ડિજિટલ માધ્યમ તરફ વળી રહ્યા હોય પરંતુ દેશમાં હજુ ઘણાં એવાં ધણાં વિસ્તારો છે જ્યાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ જ મોટાં પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને, આદિવાસી અને પછાત વિસ્તારમાં આ પ્રકારની માન્યતા વધુ જોવા મળતી હોય છે અને આ કારણે ઘણીવાર કેટલાક લોકોના મોત પણ નીપજતા હોય છે. ત્યારે ગુજરાતના અરવલ્લીના મેઘરજમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા પંચાલ ગામે એક 14 વર્ષીય કિશોરી પોતાના ઘર આગળનું ઘાસ કાપી રહી હતી. તે સમયે એક ઝેરી સાપે તેને ડંખ માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ન લઈ જઈને તેને ભૂવા પાસે લઈ ગયા હતા. આ ભૂવાએ સાપનું ઝેર ઉતારવા માટે અનેક વિધિ કરી હતી પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહોતો જેથી સાપનું ઝેર ન ઉતરતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, ત્યાં સુધીમાં કિશોરીને સમયસર યોગ્ય સારવાર ન મળતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.