Gujarat: ચીનમાં ફેલાઈ નવી બીમારી:રાજ્યનું આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં
વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના બાદ હવે ચીનમાં નવી બીમારી સામે આવી રહી છે. બાળકોમાં ફેફસાને અસર કરતી આ બીમારી સંદર્ભે રાજ્યનો આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યો છે અને ગુજરાતના આરોગ્ય કમિશનરે પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં સાવચેતી રાખવા આદેશ કર્યા છે. ગુજરાતના તમામ જિલ્લા આરોગ્ય અધિકારી, મહાનગરના આરોગ્ય અધિકારી અને સિવિલ હોસ્પિટલના વડાઓને પત્ર લખીને તકેદારી રાખવા માટે સૂચનો કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, ચીનમાં ફેલાયેલા આ રોગને કારણે ફેફસાંમાં બળતરા, ભારે તાવ અને શરદી જેવા લક્ષણો જોવા મળે છે. જો કે, તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ખાસ કરીને બાળકોમાં જ જોવા મળતાં આ રોગના કારણે હાલમાં ચીનની હોસ્પિટલો ઉભરાઈ રહી છે.
આરોગ્ય કમિશનરે જાહેર કરેલાં પરિપત્રમાં હોસ્પિટલમાં સ્ટાફ, બેડ, દવાઓ અને ટેસ્ટિંગની ઉપલબ્ધતા ચકાસી રિપોર્ટ કરવા, હોસ્પિટલમાં રહેલા ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા અને કાર્યક્ષમ કરીને રિપોર્ટ કરવા તેમજ PPE કીટ અને એન્ટીવાયરલ દવાઓ પૂરતા પ્રમાણમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આઇસોલેશન વોર્ડ તાત્કાલિક શરૂ કરી શકાય તેવી તૈયારી રાખવા પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.