November 21, 2024

લેખક ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તકની બીજી આવૃત્તિ માત્ર 2 મહિનામાં લોન્ચ થઈ

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી અને લેખક વિરલ દેસાઈએ જૂન મહિનામાં ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ નામે અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તક લોન્ચ કર્યું હતું, જે પુસ્તકને વાચકો દ્વારા અત્યંત બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. એ કારણે વિરલ દેસાઈના પુસ્તકની માત્ર બે મહિનામાં બીજી આવૃત્તિ પ્રકાશિત કરવી પડી હતી, જેનું વિમોચન સુરતના સ્પેશિયલ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.

પોતાના પુસ્તક વિશે વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘હું હંમેશાં કહું છું કે હું એક્સિડન્ટલ રાઈટર છું. પરંતુ મારા પહેલાં જ પુસ્તકને આટલી મોટી સફળતા મળશે એ વિશે મને નહોતી ખબર. માત્ર બે જ મહિનામાં મારા પુસ્તકની બંને ભાષાની આવૃત્તિઓ નવી આવે એ મારે માટે પણ આંચકાજનક બાબત છે. મને લાગે છે કે દેશના લોકોનો નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો ભાવ જ એવો ઉત્ક્ટ છે કે તેમણે મોદીજીના કાર્યો પર લખાયેલું આ પુસ્તક અત્યંત ઉત્સાહભેર વધાવી લીધું.’

ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈનું પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રાળ દરમિયાન થયેલા પર્યાવરણીય કાર્યોના લેખાજોખા પ્રસ્તુત કરે છે. આ પુસ્તકમાં ‘બિગ કેટ અલાયન્સ’થી લઈ ‘નમામિ ગંગે’ કે ‘મિશન લાઈફ’ જેવા વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સ વિશે રસપ્રદ છણાવટ થઈ છે.

પુસ્તકની આ બીજી આવૃત્તિ સુરતની ‘સંસ્કારકૂંજ’ વિદ્યાલયના દિવ્યાંગ બાળકો દ્વારા વિમોચિત કરવામાં આવી હતી. જેને લઈને લેખક વિરલ દેસાઈએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘દિવ્યાંગ શબ્દ પણ મોદીજીએ જ કોઈન કર્યો હતો ત્યારે દિવ્યાંગ બાળકોના હાથે મારા પુસ્તકની બીજી આવૃત્તિનું લોન્ચ થવું એ મારું અહોભાગ્ય છે. સાક્ષાત ઈશ્વરના દૂત એવા આ બાળકો દ્વારા વિમોચન થયા બાદ મને વિશ્વાસ છે કે મારા પુસ્તકની બીજી આવૃત્તિને પણ પ્રચંડ પ્રતિસાદ સાંપડશે.’

આ પુસ્તક એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન સાઈટ્સ પર ઉપ્લબ્ધ છે. તો પુસ્તકની પહેલી આવૃત્તિ સુરત શહેરના પોલીસ કમિશ્નર શ્રી અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા વિમોચિત કરવામાં આવ્યું હતું. પુસ્તકની બંને આવૃત્તિ જાણીતા પ્રકાશક આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *