50-55ની ઉંમરના કામચોર સરકારી બાબુઓ થશે હવે ઘરભેગા
ઘણાં લોકોને એવા અનુભવો થયા હશે કે, કોઈ સરકારી કામ માટે ગયા હોય અને સરકારી કર્મચારીઓની નિષ્ક્રિયતાનો સામનો કરવો પડ્યો હોય અને વારંવાર ધક્કા ખાવાનો વારો પણ આવ્યો હોય. ત્યારે આવા કર્મચારીઓ માટે ગુજરાત સરકારે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે, આ નવી ગાઇડલાઇન અંતર્ગત હવે રાજ્યમાં નિષ્ક્રિય અને નિયમ પ્રમાણે કામ ન કરનારા કર્મચારીને ફરજિયાત નિવૃત્તિ અપાશે.
ગુજરાત સરકારે રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે જાહેર કરેલી આ ગાઈડલાઈન મુજબ 50 થી 55 વર્ષના નિષ્ક્રિય કર્મચારીને ફરજિયાત સેવામાંથી નિવૃત્તિ અપાશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે 29મી સપ્ટેમ્બરે એક નવી ગાઈડલાઈન જાહેર કરાતાં રાજ્યમાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સિવિલ સર્વિસિસ રૂલ્સમાં આ નવા માપદંડો અને પ્રક્રિયા ઉમેરાઈ છે ત્યારે સરકારી કર્મચારીમાં યોગ્ય કામગીરી ના જણાય તો કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરી શકાશે. કર્મચારીની સેવાઓની સમિક્ષાના આધારે સરકારને નિર્ણય લેવાશે જેમાં સમિક્ષા સમયે કર્મચારીની નોકરીના તમામ રેકોર્ડ ધ્યાનમાં લઈને પ્રમાણિત અને બિનઅસરકારક કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરાશે. આ ઉપરાંત શારીરિક અને માનસિક અસ્વસ્થ કર્મચારીઓને પણ સેવા નિવૃત્ત કરી શકાશે.