દૃઢ સંકલ્પ અને કઠોર પરિશ્રમનું બીજું નામ સુનિતા સંગાડા
- આદિવાસી ભીલ સમાજની દીકરીએ અભ્યાસ સાથે કરાટેનો બ્લૂ બેલ્ટ જીતી ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું
- વડોદરા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનઃ સ્કૂલોમાં કરાટેની તાલીમ પણ આપે છે
દરેક મા-બાપનું સ્વપ્ન હોય છે કે પોતાના સંતાનને ઉચ્ચ શિક્ષણ આપી સમાજમાં મોભાદાર સ્થાને પહોંચાડવું. અલબત્ત મા-બાપના આ સ્વપ્નોને માંડ ગણતરીના સંતાનો જ સાકાર કરી શકતા હોય છે. સારા ભણતર ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં આગવી હરોળનું પ્રદર્શન કરવું અને સમાજમાં સન્માનજનક પદ પ્રાપ્ત કરવા સાથે જ આર્થિક રીતે પરિવારને મદદરૂપ થવું સાંપ્રત સમયની જરૂરિયાત છે, પરંતુ ખૂબ ઓછા દીકરા-દીકરી આમાં સફળ થઈ શકે છે.
સુરતના ઉમરા વિસ્તારમાં શ્રમજીવી સોસાયટી સોસાયટી વિભાગ-2માં રહેતાં કિશનભાઈ સંગાડાની દીકરી સુનિતા સંગાડાએ આવું કરી બતાવ્યું છે. મૂળ આદિવાસી ભીલ સમાજનો આ પરિવાર કેટલાક વર્ષોથી સુરતમાં સ્થાયી થયો છે અને આર્થિક રીતે પણ સતત સંઘર્ષ કરતો આવ્યો છે. આવા સંજોગોમાં સુનિતાએ પોતાના 12મા ધોરણ સુધીના ભણતર સાથે જ કરાટેમાં રસ લેવો શરૂ કર્યો હતો. એટલું જ નહીં, સતત સુંદર પ્રદર્શન સાથે તેણે કરાટેનો બ્લૂ બેલ્ટ પણ હાંસલ કરી લીધો છે.
સુનિતાને તમે મળો અને થોડી વાતચીત કરો તો લાગે કે આદિવાસી ભીલ સમાજના સામાન્ય પરિવારની આ દીકરીમાં દૃઢ સંકલ્પ અને કઠોર પરિશ્રમ, સ્વપ્નો પૂર્ણ કરવાની ખેવના, ઠાંસી ઠાંસીને ભરેલા છે. તાજેતરમાં જ નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન અને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ વિભાગના સમર્થનમાં શિતોર્યુ કરાટે ડુ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા વડોદરા ખાતે રાષ્ટ્રીય કક્ષાની પ્રેસિડેન્ટ કપ – 2023 ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં પણ સુનિતાએ શાનદાર પ્રદર્શન કરી મેડલ મેળવ્યું છે.
સુનિતાનું સ્વપ્ન હજુ પણ ઉચ્ચ ભણતરનું છે અને સાથે જ પોતાની કરાટેની કારકિર્દી પણ આગળ વધારશે. સુનિતા હાલમાં અનેક સ્કૂલોમાં બાળાઓને કરાટેની ટ્રેનિંગ આપી રહી છે.