પશ્ચિમ બંગાળના હુગલીમાં હિંસા, શોભાયાત્રા પર પત્થરમારાથી તંગદિલી
- રામનવમીના થીમ પર આયોજિત ભાજપ પ્રેરિત શોભાયાત્રા દરમિયાન હિંસક જૂથ અથડામણ
- ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષને સુરક્ષિત સ્થાને લઈ જવાયાઃ ઠેર ઠેર આગચંપી
રામનવમી નિમિત્તે શોભાયાત્રા પર હુમલાની ઘટનાઓએ દેશભરમાં તણાવ પેદા કરી દીધો છે. ગુજરાતના વડોદરા, મહારાષ્ટ્રના બે શહેરો ઉપરાંત બિહારના પાંચ જિલ્લામાં શોભાયાત્રા પર પથ્થરમારો, આગચંપી અને જૂથ અથડામણની ઘટના હજુ તો તાજી છે. ત્યાં આજે પશ્ચિમ બંગાળના હુગલીમાં ભાજપ પ્રેરિત શોભાયાત્રા ઉપર હિંસક હુમલો થતાં તંગદિલી વધી ગઈ છે.
રામનવમીના થીમ ઉપર ભાજપ દ્વારા હુગલીના રિશડામાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શોભાયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દિલીપ ઘોષ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જો કે અચાનક જ શોભાયાત્રા પર પત્થરમારો શરૂ થયો હતો. શોભાયાત્રામાં મહિલા તેમજ બાળકો પણ સામેલા હતાં અને ઓચિંતો હુમલો થતાં ખાસ્સી ભાગદોડ મચી ગઈ હતી. આ સાથે જ શોભાયાત્રામાં સામેલ તેમજ હુમલો કરનારા જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. વાહનો તેમજ દુકાનો, ઘરોમાં તોડફોડ, પત્થરમારો તેમજ આગચંપીને પગલે સમગ્ર હુગલીમાં તંગદિલી વ્યાપી ગઈ છે.
પોલીસે તુરંત મોરચો સંભાળ્યો હતો અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દિલીપ ઘોષને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતાં તેમજ તોફાનોને અંકુશમાં લેવા કાર્યવાહી શરૂ કરી હતી. ઘોષે જણાવ્યું હતું કે શોભાયાત્રામાં સામેલ બાળકો અને મહિલાઓ ઉપર પણ પત્થરો ફેંકાયા હતાં. ગુરૂવારના દિવસે રાજ્યના હાવડા તેમજ દિનજાપુરમાં પણ શોભાયાત્રા ઉપર હુમલા થયાં હતાં પરંતુ મમતા સરકારે યોગ્ય કાળજી નહીં રાખતાં ફરી હિંસક તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે.