શિવાજી જયંતિ નિમિત્તે આંખની તપાસ માટે નિઃશુલ્ક શિબિર યોજાયો
- લાયન્સ ક્લબ સુરત લિંબાયત, શિવમ આઈ હોસ્પિટલના સહયોગથી લિંબાયત ભાવના નર્સિંગ હોમ ખાતે આયોજન કરાયું
- ડો. રવિન્દ્ર પાટીલ સહિતના અગ્રણીઓએ હાજરી આપીઃ આસપાસના વિસ્તારોના અનેક દર્દીઓએ શિબિરનો લાભ લીધો
આઝાદી અને હિન્દુત્વની વાત આવે તો શિવાજી મહારાજને કઈ રીતે ભૂલી શકાય? ભારત માતાની રક્ષા કાજે વિધર્મી આક્રમણકારોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેનારા, ધૂળ ચટાડી દેનારા યુગપુરૂષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની આજે વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે મહારાષ્ટ્રીયન પાટીલ સમાજના અગ્રણી ડો. રવિન્દ્ર સુકલાલ પાટીલ દ્વારા આજે નિઃશુલ્ક આંખોની તપાસનો શિબિર યોજવામાં આવ્યો હતો.
લાયન્સ ક્લબ સુરત લિંબાયત અને ભાવના નર્સિંગ હોમના સંયુક્ત ઉપક્રમે મજુરાગેટ સ્થિત શિવમ આઈ હોસ્પિટલના આંખોના સ્પેશ્યાલિસ્ટ ડો. શોભના માંગેજીના સ્ટાફ દ્વારા આ શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓની આંખોની મફત તપાસ તેમજ આંખોના પડદાઓની પણ મફત તપાસ કરવામાં આવી હતી. સાથે જ રાહત દરે ચશ્મા વિતરણ ઉપરાંત રાહત દરે મોતિયાના ઓપરેશનની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. લિંબાયત સુભાષનગર સ્થિત ભાવના નર્સિંગ હોમ ખાતે આજે સવારે 8.30થી 11.30 દરમિયાન આ શિબિર યોજાયો હતો, જેનો લાભ લિંબાયત ઉપરાંત આસપાસના પણ અનેક દર્દીઓએ લીધો હતો. આ પ્રસંગે ડો. રવિન્દ્ર પાટીલ પોતાના સ્ટાફ તેમજ સ્વયંસેવકો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સાથે જ શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ લિંબાયતના ઉપક્રમે શિવાજી મહારાજ જયંતિ મહોત્સવ નિમિત્તે મહારેલીનું આયોજન બપોરે 3થી 6 દરમિયાન કરવામાં આવ્યું છે. સમિતિના પ્રમુખ ડો. રવિન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે રેલીનું પ્રસ્થાન બપોરે 3 વાગ્યે શેખરકુમાર કોચિંગ ક્લાસીસથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને લાયન દિપકભાઈ પખાલે કરાવશે. રેલી નિલગીરી સર્કલ, સુભાષનગર સર્કલ થઈ સંજયનગર સ્મારક ખાતે સંપન્ન થશે.