October 31, 2024

નોટબંધીનું પગલું યોગ્ય હતું, સરકારને સત્તા છેઃ સુપ્રીમ કોર્ટનો ચુકાદો

  • સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બંધારણીય બેન્ચે નોટબંધી વિરુદ્ધ કરાયેલી 58 અરજીઓને અમાન્ય ઠેરવી
  • ડુપ્લીકેટ નોટો, કાળુ નાણું, આતંકવાદી ભંડોળ સહિતના દુષણો ડામવા કેન્દ્ર સરકારે નોટબંધીને યોગ્ય ગણાવી હતી

દેશની સર્વોચ્ચ અદાલતે આજે પોતાના મહત્વપૂર્ણ ચુકાદામાં સરકારના 8 નવેમ્બર 2016ના નોટબંધીના પગલાંને યોગ્ય ઠેરવ્યું છે. પાંચ ન્યાયાધીશોની બનેલી બંધારણીય પીઠે નોટબંધીના વિરુદ્ધમાં કરાયેલી 58 અરજીઓને અમાન્ય ઠેરવી દીધી છે.

કેન્દ્ર સરકારે રાતોરાત નોટબંધીની જાહેરાત કરતાં રૂ. 500 તેમજ રૂ. 1000ની ચલણી નોટોને ચલણમાંથી કાઢી નાંખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણયના પગલે દેશભરમાં કટોકટી જેવો માહોલ બની ગયો હતો. સરકારના આ નિર્ણયને પડકારતાં 58 જેટલી અરજીઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવી હતી અને સરકારના નિર્ણયને અયોગ્ય ઠેરવવા માટે અરજદારોએ માંગ કરી હતી. એવી પણ દલીલ કરવામાં આવી હતી કે ભારતીય રિઝર્વ બેન્ક અધિનિયમની કલમ (26)2 અન્વયે સરકારને કોઈપણ ચોક્કસ મૂલ્યની ચલણી નોટોને સંપૂર્ણપણે રદ કરવાનો અધિકાર નથી. આ અધિનિયમ સરકારને માત્ર કેટલીક ચોક્કસ શ્રેણીની નોટોને જ રદ કરવાની સત્તા આપે છે, સમગ્ર મૂલ્યની ચલણી નોટોને નહીં.

અલબત્ત સરકારે ગત 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં સરકારે કહ્યું હતું કે રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટોની સંખ્યામાં બેફામ વધારો થયો છે અને રિઝર્વ બેન્ક સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો હતો. અગાઉ પણ સરકારે દલીલમાં કહ્યું હતું કે રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યની ડુપ્લીકેટ ચલણી નોટોમાં ઘણો વધારો થયો છે. જેથી કાળા નાણાંને ડામવા, આતંકવાદી ભંડોળ ઉપર અંકુશ લાદવા, કરચોરી ડામવા માટે આ પગલું જરૂરી હતું. એટલું જ નહીં, નોટબંધી બાદ ડિજિટલ ટ્રાન્જેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેનો લાભ આજે સૌ જોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *