મોદી મફત રાશન આપે અને સુરત પાલિકા ગરીબોના ઘર છીનવે!?
- રસૂલાબાદ ખાતે સુરત મનપાએ ઓચિંતા ઝૂંપડા તોડવાની કામગીરી શરૂ કરતાં ઉગ્ર વિરોધ, મોરચો કાઢ્યો
- કાતિલ ઠંડીમાં ઝૂંપડા તોડી પડાતાં અનેક પરિવારો ઘરવિહોણાં, વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી
સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોનમાં સમાવિષ્ઠ વર્ષો જૂના રસૂલાબાદ વિસ્તારમાં ઓચિંતુ ઝૂંપડાઓનું ડિમોલીશન શરૂ કરાતાં ગરીબોમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. ભટાર આઝાદનગર પાસે ખાડી કિનારાની નજીકની ઈન્દિરાનગર વસાહતના ઝૂંપડા તોડવાની કામગીરી તા. 17મીના રોજથી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે, જેનો વિરોધ શરૂ થયો છે.
કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાનીમાં આજે ગરીબ ઝૂંપડાવાસીઓએ મોરચો કાઢ્યો હતો અને પાલિકાના અઠવા ઝોન ખાતે પહોંચી રજૂઆત કરી હતી. સાથે જ મ્યુનિ. કમિશનર, સ્થાયી સમિતિ ચેરમેન, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ઉદ્દેશીને આવેદનપત્ર પણ સુપ્રત કરાયું છે. જેમાં જણાવાયું છે કે ઈન્દિરાનગર વસાહતમાં છેલ્લા 20થી 25 વર્ષથી મહારાષ્ટ્રીયન દલિત, મુસ્લિમ તેમજ યુપીવાસી ગરીબ શ્રમિક લોકો વસતા આવ્યા છે. તમામ પાસે રહેણાંકના પૂરતા પુરાવા પણ છે.
જો કે તા. 17મીના રોજ પાલિકાના અઠવા ઝોનના અધિકારીઓ બેલદારોને લઈને ધસી ગયા હતાં અને ઝૂંપડામાંથી માલ-સામાન, ઘરવખરી બળબજરીથી ખાલી કરી ઝૂંપડા તોડવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, ઝૂંપડાવાસીઓને એવી ધમકી પણ આપી હતી કે જો તમે ઝૂંપડા ખાલી નહીં કરશો તો બુલડોઝર લાવી ફેરવી દઈશું. ઝૂંપડાવાસીઓએ અસલમ સાયકલવાલાને રજૂઆત કરતાં તેઓ તેમની મદદ ગયા હતાં અને સ્થળ મુલાકાત, રહેણાંકના પુરાવા તપાસ્યા બાદ અઠવા ઝોન પહોંચી પાલિકામાં યોગ્ય સ્તરે રજુઆત કરી હતી.
એક તો કાતિલ ઠંડીનો સમય છે અને ઝૂંપડા તોડી પડાતાં અનેક પરિવારો ઘરવિહોણાં થઈ ગયા છે ત્યારે પાલિકાના આ કૃત્યને અમાનવીય લેખાઈ રહ્યું છે. સાયકલવાલાએ જણાવ્યું હતું કે જો વિકાસ માટે જગ્યાની જરૂર હોય તો વર્ષોથી અહીં રહેતાં ગરીબ શ્રમિકોને વૈકલ્પિક આવાસ ફાળવવા જોઈએ અને માનવીય અભિગમ અપનાવવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે ઝૂંપડાવાસીઓમાં ભારે રોષની લાગણી છે અને જો તેમને વૈકલ્પિક વ્યવસ્થા નહીં અપાશે તો તેઓએ આત્મવિલોપનની ચીમકી પણ આપી છે. જો કોઈપણ અનિચ્છનીય ઘટના બની તો તેની જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું.