July 14, 2024

માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટને ઝડપથી રીડેવલપ કરવા માંગ

  • કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ ગરીબ પરિવારોના હિતમાં મ્યુનિ. કમિશનર, શાસકોને આગ્રહભરી રજૂઆત કરી
  • પાંચ પાંચ વખત ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવા છતાં સકારાત્મક પ્રતિસાદ નહીં મળતાં પીડિત પરિવારો પરેશાન, મનપાના વિવિધ વિભાગોનાં સંકલનની ત્રુટિ નીવારી કામ ઝડપથી શરૂઆત કરવા વિનંતી

સુરત મહાનગરપાલિકાનાં (Surat Municipal Corporation) અલથાણ, ડુંભાલ,આંજણા,કતારગામ-ગોટાળાવાડી અને માન દરવાજા જર્જરિત ટેનામેન્ટને ગુજરાત (Gujarat) સરકારની નીતિ મુજબ પીપીપી ધોરણે રી-ડેવલોપમેન્ટ કરવાનું વર્ષ ૨૦૧૬થી અમલીકરણ થયું. પ્રથમ અલથાણ અને સમયાંતરે આંજણા, કતારગામ-ગોટાલાવાડી, ડુંભાલ અને માન દરવાજા ટેનામેન્ટવાસીઓ દ્વારા સંમતિ આપવામાં આવી તેમજ આ કાર્યમાં શાસકો સાથે કોંગ્રેસે પણ સ્થાનિક લોકોને સારા ગુણવત્તાયુક્ત ફ્લેટ મળે એ માટે સકારાત્મક અભિગમ રાખ્યો. સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ થયેલ તમામ વિસ્તારનાં રી-ડેવલોપમેન્ટ ટેનામેન્ટમાં હાલ ડુંભાલ ખાતે લોકો વસવાટ કરી રહ્યાં છે, તેમજ અલથાણ, આંજણા અને કતારગામ – ગોટાલાવાડી ટેનામેન્ટનું કાર્ય જટીલ વહીવટી પ્રક્રિયાનાં કારણે વિલંબે પણ હાલ પ્રગતિ હેઠળ છે.
પરંતુ લિંબાયત ઝોન (Zone) સ્થિત માન દરવાજા ટેનામેન્ટ જે ટી.પી. ૭ (આંજણા), ફા. પ્લોટ નં. ૮૮ પૈકી પર રીંગરોડને અડીને છે અને સમગ્ર વિસ્તાર કાપડ માર્કેટનું સૌથી મોટું હબ છે, છતાં વર્ષ ૨૦૧૮થી સદર ટેનામેન્ટનાં રી-ડેવલોપમેન્ટની ટેન્ડર પ્રક્રિયા પાંચ પાંચ વાર થવા છતાં હકારાત્મક રીતે આગળ વધતી નથી. જેનાં કારણે જર્જરિત થયેલ માન દરવાજા એ ટેનામેન્ટનાં રહેવાસીઓને વર્ષ ૨૦૨૧માં ખાલી કરાવવામાં આવ્યું અને એમાંના ઘણાં પરિવારો આજે પણ મકાન વગર મુશ્કેલભર્યું જીવન જીવી રહ્યા છે. હાલમાં જર્જરિત બી અને સી ટેનામેન્ટનાં આશરે ૯૫૦ પરિવારો મકાનની વૈકલ્પિક વ્યવસ્થા/ભાડા વગર વસવાટ ખાલી કરવા પડશે એ માત્ર વિચારથી ફફડી રહ્યા છે. આ ટેનામેન્ટમાં આશરે ૧૨૫૦ ફલેટ સાથે સુરત મહાનગરપાલિકા માટે અદ્યતન ફાયર સ્ટેશન,પ્રાથમિક શાળા,આંગણવાડીઓ તથા ડો. બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર ડેવલપરને બનાવવાનું છે.

માન દરવાજા ટેનામેન્ટની ઉપરોક્ત તમામ ગંભીર બાબતે સ્થાનિક ગરીબ શ્રમિક પરિવારોનાં હિતમાં મારી રજૂઆત છે કે, માન દરવાજા ટેનામેન્ટ પીપીપી ધોરણે રી-ડેવલોપમેન્ટ કરવા માટે સુરત મહાનગરપાલિકાનાં સ્લમ અપગ્રેડશન વિભાગ, સાઉથ-ઈસ્ટ (લિંબાયત)ઝોન, ટાઉન પ્લાનિંગ વિભાગ, મધ્યસ્થ શહેર વિકાસ અને કાયદા વિભાગનાં કાર્યક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક જવાબદારીઓ આવે છે. સદર ટેનામેન્ટને રી-ડેવલોપમેન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા સ્લમ અપગ્રેડશન વિભાગ કરે છે. ડો. બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટરનાં દુકાન/ઓફિસ ધારકોની કાયદાકીય પ્રક્રિયા લિંબાયત ઝોન સંભાળે છે અને આ બધી પ્રક્રિયામાંથી જો ડેવલપર પસાર થશે, તો પણ ત્યારબાદ સૌથી વધુ જટીલ વહીવટી કામ ટી.પી. અને મધ્યસ્થ શહેર વિકાસનું આવશે. પરંતુ સુરત મનપાનાં આ બધા વિભાગોમાં હાલ યોગ્ય સંકલનનો અભાવ અને એક બીજા વિભાગને ખો ખોની વહીવટી રમત રમતા હોવાના કારણે માન દરવાજા ટેનામેન્ટ રી-ડેવલોપમેન્ટ માટેનાં પાંચ પાંચ વાર થયેલ ટેન્ડરીંગ પ્રક્રિયાને સકારાત્મક અભિગમ મળતો નથી એવું સ્પષટપણે મારૂં માનવું છે. જેથી આપ મહાનુભાવો સુરત મહાનગરપાલિકા વહીવટમાં વિશેષ જવાબદાર હોય આ સમગ્ર કેસને સ્થાનિક લોકહિતમાં પ્રાયોરિટીનાં ધોરણે હાથ પર લઈ સુરત મનપાનાં કાર્યક્ષેત્રમાં આવતા તમામ વિભાગોને યોગ્ય સંકલન કરાવી તેમજ ડેવલપરને શું અસમંજસ છે? એ રૂબરૂ બોલાવી એમને સાંભળી, યોગ્ય નિરાકરણ કરી સુરત મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક ફાયદા કરતા નુકશાન નહીં થાય એની કાળજી રાખી તાત્કાલિક નિર્ણય કરવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *