Cyclone: માવઠા બાદ હવે ગુજરાત પર તોળાઈ રહેલું ‘માઈચોંગ’નું સંકટ
હાલમાં જ માવઠાનો માર ઝીલીને બેઠા થવા મથી રહેલાં ગુજરાત માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ ચક્રવાતી તોફાન અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં તારીખ 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માઈચોંગ નામના આ વાવાઝોડાને કારણે આગામી બે દિવસ સુધી વરસાદ વરસવાની સાથે જ ઠંડી વધવાની શક્યતાઓ જણાવવામાં આવી છે.
શિયાળાની શરુઆતમાં જ જ્યાં કમોસમી વરસાદે ગુજરાતને ઘમરોળ્યું હતું ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ઉત્તર પૂર્વીય અરબસાગર અને ઉત્તર મહારાષ્ટ્રમાં સાયકલોનિક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. માઈચોંગ ( Michaung ) નામનું આ વાવાઝોડું 4 ડિસેમ્બરે સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે ત્યારે ઉત્તર તટીય તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.
મોઈચિંગ વાવાઝોડાને લઈને ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તે સાથે જ ઠંડીનો પારો ગગડી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાત, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદ વરસી શકે છે.