કોરોના…કો…રોકોના…માસ્ક સહિતની ગાઈડલાઈન શરૂ થવાના સંકેત
- મોદીની અધ્યક્ષતામાં હાઈલેવલ રિવ્યુ બેઠક, મોદીએ લોકોને માસ્ક પહેરવા કહ્યું
- કર્ણાટકની સરકારે તમામ લોકો માટે માસ્ક ફરજિયાત કરી દીધું
- રસીકરણ ઉપરાંત ટ્રેકિંગ, ટ્રેસિંગ અને જિનોમ સિક્વન્સિંગ વધારવા સલાહ
ચીન સહિત કેટલાક દેશોમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે ભારત સરકારે પણ કોરોનાને રોકવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં એક હાઈલેવલ રિવ્યુ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ગૃહ તેમજ આરોગ્ય મંત્રાલયના મંત્રીઓ, અધિકારીઓ, નીતિ આયોગના CEO ઉપરાંત સંલગ્ન ટોચના વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં.
મોદીએ ખાસ તો લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે, જેના પરથી એવું લાગી રહ્યું છે કે ટૂંકમાં જ કેન્દ્ર સરકાર દ્વારા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતની ગાઈડલાઈન બહાર પડી શકે છે. બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યાં હતાં. જેમણે કહ્યું છે કે ચીનની કોવિડ-19ની સ્થિતિ અંગે બાજ નજર રાખવામાં આવી રહી છે. તાજેતરની સ્થિતિને પગલે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ સહિતની સિસ્ટમ ફરી સક્રિય કરવામાં આવી છે. વિદેશથી આવતાં પ્રવાસીઓની મેડિકલ તપાસના પણ આદેશ અપાયા છે. ખાસ કરીને ઓમિક્રોનના નવા વેરિયન્ટને ટ્રેસ કરવા માટે જિનોમ સિક્વન્સિંગ માટે તમામ રાજ્યોને કહેવામાં આવ્યું છે.
દરમિયાન કર્ણાટકની સરકારે રાજ્યમાં માસ્ક ફરજિયાત કરી દીધો છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ અંગે પણ સૂચનો જારી કરી દીધાં છે. બીજી તરફ દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી સહિતના મોટાભાગના રાજ્યો પણ કોરોના અંગે સતર્કતા દાખવી રહ્યાં છે અને ઉચ્ચ સ્તરીય રિવ્યુ મીટિંગ કરી સ્થિતિ પર કડક દેખરેખ શરૂ કરી છે. યુપીમાં તો એલર્ટ જારી કરાયું છે અને દિલ્હી AIIMSમાં માસ્કને ફરજિયાત કરાયું છે.