દેશમાં કોરોનાના વધુ 3038 કેસ, મહારાષ્ટ્ર-દિલ્હીમાં સ્થિતિ વણસી
- દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21179 પહોંચી, 9 દર્દીનાં મોતઃ મોટાભાગના રાજ્યોમાં કેસોની સંખ્યા વધવા લાગી
- મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નવા કેસ ત્રણ ગણાં 711 થયાઃ દિલ્હીમાં પણ 521 કેસ, ગુજરાતમાં 324 નવા કેસ નોંધાયા
લાંબા વિરામ બાદ શરૂ થયેલો કોરોના હવે દેશમાં ફરી વકરવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 3,038 કેસ નોંધાયા છે અને 9 દર્દીનાં મોત થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 21179 ઉપર પહોંચી છે. એટલું જ નહીં, હવે મોટાભાગના રાજ્યોમાં કોરોના દેખાવા લાગ્યો છે જેને પગલે દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સૌથી વિકટ સ્થિતિ મહારાષ્ટ્રમાં થવા જઈ રહી છે. એક દિવસ પૂર્વે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ 248 નોંધાયા હતાં, જો કે હવે છેલ્લા 24 કલાક દરમિયાન નવા કેસ 711 થયા છે અને રાજ્યમાં ચાર દર્દીનાં મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 1162 થઈ છે. દિલ્હીમાં પણ સ્થિતિ વણસી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 521 નવા કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત નીપજ્યું છે. જ્યારે રાજ્યમાં 1710 એક્ટિવ કેસો થયા છે.
ગુજરાતમાં પણ છેલ્લા ઘણાં દિવસોથી નવા કેસની સંખ્યા 300થી વધુ રહી છે અને છેલ્લા 24 કલાક દરમિયાન નવા 324 કેસ નોંધાયા છે અને 1 દર્દીનું મોત નીપજ્યું છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2220 છે જે પૈકી 10 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. નોંધનીય છે કે કોરોનાના કેસોમાં ગત મહિના સુધી ખાસ્સો ઘટાડો રહ્યો હતો અને વેક્સિનનું ઉત્પાદન પણ ઘટાડી દેવામાં આવ્યું હતું. એવામાં હવે અનેક રાજ્યોમાં વેક્સિનની અછત ઉભી થઈ છે અને કેસો વધવા લાગતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે.