કોરોના મહામારી શિયાળો પૂર્ણ થતાં ખતમ થઈ જશેઃ ક્રિશ્ચિયન ડ્રોસ્ટન
- જર્મન વાયરોલોજીસ્ટની આગાહી, કોવિડ-19 વાઈરસ હવે પેન્ડેમિક નહીં પરંતુ એન્ડેમિક તરફ વધી રહ્યો છે
- કોરોના આપણી સાથે જ રહેશે, પરંતુ તેનો પ્રસાર સીમિત અને ઓછો ઘાતક બની જશે, પહેલાં જેટલું નુક્સાન નહીં કરે
ચીન સહિત કેટલાક દેશોમાં કોરોનાનો હાહાકાર ચાલુ છે અને વિશ્વના અન્ય દેશો પણ કોરોનાના ભયના ઓથાર હેઠળ છે. ત્યારે જર્મન વાયરોલોજીસ્ટ ક્રિશ્ચિયન ડ્રોસ્ટને એક મોટું સાંત્વન આપ્યું છે. તેમણે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે કોવિડ-19 હવે એન્ડેમિક તરફ આગળ વધી રહ્યો છે. શિયાળાની ઋતુ પૂર્ણ થતાં સુધીમાં કોરોના મહામારી ખતમ થઈ જશે એવું મારૂં માનવું છે. તેમણે ઉમેર્યું કે અલબત્ત શિયાળા બાદ બે-ત્રણ લહેર કોરોનાની આવી શકે પરંતુ તે ઘાતક હશે નહીં, તેનાથી મોટું નુક્સાન થશે નહીં.
ડ્રોસ્ટને ઉમેર્યું કે શિયાળાની ઋતુમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધી જશે અને ઉનાળામાં વાઈરસનો પ્રભાવ વધવાની સંભાવના ખૂબ ઓછી થઈ જશે. વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ મોટાપાયે થયું છે અને લોકોની રોગપ્રતિકારક શક્તિ તે રીતે પણ વધી છે. ચીનમાં રસીકરણ ઓછું થયું હોવાથી હાલમાં ત્યાં કોરોનાનો પ્રભાવ અને ઘાતકતા વધ્યા છે. પરંતુ હવે ટૂંકમાં જ કોરોના વાઈરસ એન્ડેમિક બની જશે. ડ્રોસ્ટને કહ્યું કે અન્ય કેટલાક વાઈરસની જેમ જ કોરોના આપણી સાથે જ રહેશે. પરંતુ તેની પ્રસારશક્તિ ઓછી થઈ જશે અને તે પહેલાં જેટલો ઘાતક પણ બની શકશે નહીં.
થોડા મહિના પૂર્વે એમ્સના પૂર્વ ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ પણ આવી જ આગાહી કરી હતી. 1995માં બર્ડ ફ્લુ ફેલાયો હતો અને તેમાં મૃત્યુદર 60 ટકા જેટલો ઊંચો હતો, પરંતુ તેના પર અંકુશ મેળવી શકાયો છે. ઈબોલા, ઝીકા, સ્વાઈન ફ્લુ, સાર્સ જેવા અનેક વાઈરસ પણ હાલ કાબુમાં આવી ચુક્યા છે. ડો. ગુલેરીયાએ પણ કોરોના વિષે આવી જ આગાહી કરી હતી કે થોડા સમય બાદ કોરોના પેન્ડેમિકથી એન્ડેમિક બની જશે.