October 31, 2024

સુરતીજનોના હિતમાં કોંગ્રેસ વેરાવધારાનો વિરોધ કરશેઃ સાયકલવાલા

  • સુરત પાલિકાના બજેટમાં રૂ. 307 કરોડનો વેરાવધારો શહેરીજનો માટે આઘાત સમાન, વિધાનસભાની 12 બેઠકો ભાજપને ધરી દીધી છતાં…
  • 2018-19માં પણ ભાજપ શાસકોએ રૂ. 537 કરોડનો કરબોજ લાદવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોંગ્રેસના વિરોધથી રૂ. 430 કરોડ જતાં કર્યા હતાં

સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરાયેલા 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનો ઉપર રૂ. 307 કરોડનો વેરાવધારો ઝીંકવામાં આવ્યો છે, જેનો ચોતરફથી વિરોધ થઈ રહ્યો છે. સુરતના શહેરીજનોએ વિધાનસભાની તમામ 12 બેઠકો ભાજપની ઝોળીમાં નાંખી દીધી ત્યારે હવે આ વેરાવધારો આકરો લાગી રહ્યો છે. હવે કોંગ્રેસે પણ વેરાવધારાના વિરોધનું રણશિંગું ફૂંકી દીધું છે.

કોંગ્રેસી અગ્રણી અને માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે સુરત શહેરની પ્રજાનાં હકક – અધિકાર સમા જકાત પેટે મળનાર ગ્રોથ સાથેની ગ્રાન્ટ રાજ્ય સરકાર પાસેથી મેળવવામાં સાવ નિષ્ફળ અને નમાલા ભાજપીઓનાં વહીવટમાં તેમજ ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં સુરત શહેરની ૧૨ વિધાનસભા બેઠકો ભાજપનાં ચરણે ધરનાર સુરતીઓ પર એનાં ઉપકાર પેટે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૩ – ૨૪નાં બજેટમાં રૂ. ૩૦7/- કરોડનો વેરો વધારો ઝીંકી દેવાયો છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં સુરત મહાનગરપાલિકાનાં સામાન્ય બજેટમાં ભાજપ શાસકો દ્વારા સુરતીઓ પર રૂ. ૫૩૭/- કરોડનો તોતિંગ વેરો વધારો સૂચવવામાં આવેલ. આ આકરા વેરા વધારાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ આવતા તે સમયે સ્થાયી સમિતિ સભા ખંડ બહાર વિપક્ષ કોંગ્રેસનાં તમામ કોર્પોરેટરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. સતત ૩ કલાક ચાલેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં જે તે સમયે કોંગ્રેસનાં કોર્પોરેટરોએ શહેરની પ્રજાનાં હિત માટે તમામ ભાજપી સ્થાયી સમિતિ સભ્યોને બાનમાં લઈ ઘેરાવ કરેલ અને કોંગ્રેસનો આ ઉગ્ર વિરોધ પ્રદર્શનનાં મીડિયા કવરેજનાં કારણે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુમનપા શાસકોને તાત્કાલિક ગાંધીનગર તેડાવવાની ફરજ પડેલ. કોંગ્રેસનાં ઉગ્ર વિરોધ પ્રદર્શનથી ડઘાઈ ગયેલ ભાજપને મિલ્કત વેરાનાં રૂ. ૪૩૦/- કરોડ દફતરે કરવાની તેમજ માત્ર યુઝર ચાર્જમાં રૂ. ૧૦૭ કરોડ વધારવાની ફરજ પડેલ.

સાયકલવાલાએ ઉમેર્યું છે કે શહેરીજનોના હિતમાં કોંગ્રેસ રૂ. 307 કરોડના વેરાવધારાનો ઉગ્ર વિરોધ કરશે અને તેમાં કોઈ પાછીપાની કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *