October 31, 2024

રાજ્યમાં ઠંડીનો સપાટો, નલિયામાં તાપમાન 4.4 ડિગ્રી

  • મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ઉતરી જતાં લોકો ઠુંઠવાયા, હજુ ઠંડી વધવાની આગાહી
  • ગાંધીનગરમાં 7.7, નવસારીમાં 8 અને સુરતમાં 12.2 ડિગ્રી તાપમાન, કચ્છમાં વાહનો પર બરફ જામ્યો

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ વચ્ચે શીતલહેર ફરી વળતાં પતંગરસિયાઓની મજા થોડી બગડી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટ એટલે કે 10 ડિગ્રીથી નીચે ઉતરી જતાં લોકો ઠુંઠવાયા છે અને તેમાં પણ હવામાન વિભાગે ઠંડી વધવાની આગાહી કરતાં ચિંતા વધી છે. નલિયામાં છેલ્લા પચાસેક વર્ષનો રેકોર્ડ તુટ્યો છે અને લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે.

અન્ય શહેરોની વાત જોઈએ તો ગઈકાલે રાત્રે લઘુત્તમ તાપમાન ગાંધીનગરમાં 7.7 ડિગ્રી, નવસારીમાં 8.0 ડિગ્રી, વડોદરામાં 8.4 ડિગ્રી, ભૂજમાં 9.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 8.0 ડિગ્રી, ડીસા 9.1 ડિગ્રી અને અમદાવાદમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો શીતલહેર વચ્ચે ઠુંઠવાઈ રહ્યાં છે. એટલું જ નહીં, રાત્રે તો ઠીક દિવસના સમયે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

એવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે હિમાચલ પ્રદેશ, કાશ્મીર જેવા ભારતના ઉત્તરીય ક્ષેત્રોમાં સતત હિમવર્ષાને પગલે કાતિલ ઠંડા પવનો દક્ષિણ તરફ ફૂંકાઈ રહ્યાં છે. જેને પગલે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન પણ શીતલહેરમાં સપડાઈ રહ્યું છે. છેક મુંબઈ સુધી આ અસર વર્તાઈ છે અને મુંબઈમાં લઘુત્તમ તાપમાન સરેરાશ 14થી 16 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે. માઉન્ટ આબુમાં પણ હાડ થિજાવતી ઠંડી શરૂ થઈ છે, તો કચ્છમાં કેટલેક સ્થળે વાહનો ઉપર બરફની પરત જામી હોવાના પણ સમાચારો પ્રાપ્ત થયા છે.

ખાસ કરીને ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ધામધૂમથી મનાવાય છે. પતંગરસિયાઓ વહેલી સવારથી જ ધાબે પતંગ ઉડાવવા ચઢી જતાં હોય છે. પરંતુ કાતિલ ઠંડીને પગલે વહેલી સવારે આકાશ ખાલી વર્તાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *