સુરતના મેયર અને મ્યુનિ. કમિ. વચ્ચે શીતયુદ્ધ, વિકાસ થીજી જશે?
- મેયર હેમાલીબેન બોઘાવાલા અને સરકારે નિયુક્ત કરેલા મ્યુનિ. કમિ. શાલિની અગ્રવાલ વચ્ચે અહમ્ ટકરાયાની ચર્ચા
- ભાજપ સંકલન બેઠકમાં મેયરની ફરિયાદ, મ્યુનિ. કમિ. ગાંઠતાં નથી, પ્રોટોકોલનો ભંગ થઈ રહ્યો હોવાનો એકસૂર
સરકારે નિયુક્ત કરેલા અધિકારીઓ અને પ્રજાએ ચૂંટી કાઢેલા શાસક પક્ષના પદાધિકારીઓ વચ્ચેનો વિવાદ આમ તો નવો નથી, પરંતુ જે કોઈ શહેર, રાજ્યમાં કે કોઈપણ જાહેર સંસ્થામાં આવો વિવાદ સર્જાય ત્યારે તેના વિકાસને ધક્કો ચોક્કસ જ લાગે છે. સુરત શહેરમાં પણ હવે કંઈક આવું જ થવાની ભીતિ જોવા મળી રહી છે. કારણકે શહેરની મહાનગરપાલિકામાં ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન બે મહિલાઓના અહમ્ ટકરાયાની ચર્ચા એરણે ચઢી છે.
આજે શહેર ભાજપની સંકલન બેઠકમાં સંગઠનના હોદ્દેદારો તેમજ કોર્પોરેટરોમાં આક્રોશની સ્થિતિ સર્જાઈ હતી. કારણકે શહેરના પ્રથમ નાગરિકનું જેમને સન્માન પ્રાપ્ત છે તેવા મેયર હેમાલીબેન બોઘાવાલાએ સીધી ફરિયાદ કરી હતી કે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ તેમને ગાંઠતાં નથી અને ઘણાં મુદ્દે પ્રોટોકોલનો ભંગ થઈ રહ્યો છે. અલબત્ત આ મુદ્દો હવે કેટલો આગળ વધે છે તે કહેવું હાલ તો અઘરૂં છે. ભાજપ શાસકો મ્યુનિ. કમિશનર સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરે છે કે પછી સમાધાનનો માર્ગ અપનાવશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ હાલનો તબક્કો મેયર અને મ્યુનિ. કમિ. વચ્ચે શીતયુદ્ધ જેવો છે. જો આ શીતયુદ્ધ આગળ વધ્યું તો સ્વાભાવિક રીતે જ શહેરનો વિકાસ પણ થીજવા લાગશે.
શહેરના કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલા પણ તમામ મુદ્દે એટલા જ જાગૃત છે અને આ શીતયુદ્ધ મુદ્દે તેમણે શહેરહિતની ચિંતા જોડી દીધી છે. તેમણે સોશિયલ મીડિયામાં લખી દીધું છે કે સુરત મહાનગરપાલિકાના આ બંને ઉચ્ચ પદો શોભાવનારા મહિલા એકબીજા સામે અહમના અહંકારમાં વ્યસ્ત રહે તો મનપાનો વહિવટ કઈ રીતે ચાલશે? સાથે જ ભાજપ શાસકોને તેમણે મ્હેણું પણ માર્યું છે કે મેયરનું સન્માન નહીં જાળવનારા મ્યુનિ. કમિ. સામે ઠપકા દરખાસ્ત લાવવાની ભાજપ શાસકોમાં નૈતિક હિંમત છે ખરી?