વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતાં ભારતીયોને ચેતવ્યા:એડવાઈઝરી કરી જાહેર
ભારત અને કેનેડા વચ્ચે સંબંધો વણસ્યા છે ત્યારે કેનેડાએ મંગળવારે તેના નાગરિકો માટે ભારત સંબંધિત નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં “અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે” કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળવાનું જણાવવામાં આવ્યું છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ છે. જો કે ભારતે કેનેડાના આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
જો કે, કેનેડાએ પણ એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે, જેના જવાબમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધ વણસતાં ત્યાં રહેતા ભારતીયો અને અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ માટે સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીય સ્ટુડન્ટ્સ અને ભારતના નાગરિકો માટે એવી એડવાઈઝરી જારી કરી છે કે, કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ વધી રહી છે. માટે ત્યાં રહેતા સ્ટુડન્ટ્સ અને નાગરિકોએ સાવધાનીથી રહેવું જોઈએ. જોકે,કેનેડાએ પણ તેના નાગરિકોને મણિપુરની મુસાફરી સામે ચેતવણી આપી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દિલ્હીમાં G20 સમિટમાં અતિથિ બનેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ પરત કેનેડા જવાનું થયું ત્યારે તેનું પ્લેન ખરાબ થઈ ગયું હતું જેથી તેમણે ભારત સરકાર પાસેથી પાર્ટ્સ માગ્યા હતા પરંતુ કોઈ કારણોસર પાર્ટ્સની વ્યવસ્થા ન થતાં તેમણે ત્રણ દિવસ માટે તેમણે ભારત રોકાઈ જવું પડ્યું. પછી કેનેડાથી બીજું પ્લેન આવીને પાર્ટ્સ આપી ગયું ત્યારે વડાપ્રધાન ટ્રુડોનું પ્લેન ચાલુ થયું અને તેઓ કેનેડા પહોંચ્યા હતા. જો કે કેનેડા પહોંચ્યાના માત્ર બે જ દિવસમાં ત્યાંની સંસદમાં જસ્ટીને એવું નિવેદન આપ્યું હતુ કે, કેનેડામાં શીખ નેતા નિજ્જરની હત્યા ભારતે કરાવી છે અને ત્યારથી આ વિવાદ વકર્યો છે.