સી. આર. પાટીલના હસ્તે સિવિલને અદ્યતન સુવિધાસજ્જ એમ્બ્યુલન્સ અર્પણ
- ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ગ્રાન્ટમાંથી રૂ. 25 લાખથી વધુની કિંમતના અદ્યતન સાધનોથી એમ્બ્યુલન્સ સુસજ્જ
- ઓક્સિજન એમ્બ્યુલન્સ, આદિવાસી વિસ્તારના દર્દીઓને અમદાવાદ જેવા નગરોમાં શિફ્ટ કરવા આશીર્વાદરૂપ રહેશે
ગરીબ-શ્રમિક પરિવારોને આરોગ્ય ક્ષેત્રની તમામ સુવિધા મળી રહે તે માટે સરકારના તમામ પ્રયત્નો રહ્યાં છે. સુરત ખાતે કાર્યરત નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને નિઃશૂલ્ક આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. એટલું જ નહીં, ગંભીર રોગોની મોંઘીદાટ સારવાર પણ મફત તેમજ નજીવા ખર્ચે મળી રહે તેવું સરકારનું આયોજન રહ્યું છે. ત્યારે સ્થાનિક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક અદ્યતન એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને ભેટ આપવામાં આવી છે.
ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ગ્રાન્ટમાંથી રૂ. 25 લાખના ખર્ચે તૈયાર કરાયેલી એમ્બ્યુલન્સ સાંસદ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સમાં ગંભીર હાલતના દર્દીઓને તુરંત સારવાર મળી રહે તે માટેના અદ્યતન સાધનો ઉપરાંત ઓક્સિજનની પણ વ્યવસ્થા રહેલી છે. એટલું જ નહીં, આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓને અમદાવાદ જેવા દૂરના નગરોમાં શિફ્ટ કરવા માટે આ એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થશે.
આ અવસરે સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. શ્રી કેતન નાયક, અધિક તબીબી અધિક્ષક શ્રી ધારિત્રી પરમાર, નગર સેવકશ્રી દિનેશરાજ પુરોહિત, નર્સિગ એસોસિયેશનના શ્રી ઈકબાલ કડિવાલા, નર્સિગ સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.