October 31, 2024

પાટણ-મહેસાણા બ્રહ્મસમાજનો સમૂહ યજ્ઞોપવિત અને સ્નેહમિલન સમારોહ

  • 13 બટુકો શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞોપવિત ધારણ કરશે, સમાજ અને દાતાઓ દ્વારા બટુકોને વિશેષ ભેટ પણ અપાશે
  • તા. 12મીના રોજ ઈચ્છાનાથ સ્થિત પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે વહેલી સવારથી સાંજના ભોજન સમારંભ સુધી ભરચક કાર્યક્રમો

સમસ્ત પાટણ-મહેસાણા જિલ્લા ઔદિચ્ય બ્રહ્મસમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના ઉપક્રમે સમાજના 20મા સમૂહ યજ્ઞોપવિત તેમજ વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તા. 12મી ફેબ્રુઆરીના રવિવારના રોજ ઈચ્છાનાથ ઉમરા ગામ રોડ SVNIT કોલેજની સામે સ્થિત સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે આ બંને કાર્યક્રમો યોજાશે. સમારંભનું અધ્યક્ષસ્થાન શોભાવનારા ટ્રસ્ટના પ્રમુખશ્રી ગૌરાંગભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દીપ પ્રાગટ્ય અને આશીર્વચન માટે પરમ ભગવતી સાધક તપોનિધી સંત શ્રી વિજયાનંદપૂરી મહારાજ હરિદ્વાર, કાશી સિદ્ધપીઠ (મહાનિર્વાણી અખાડા) ઉપસ્થિત રહેશે.

સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ ચંદ્રકાન્ત જાનીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે સવારે 7.15 વાગ્યે ગણેશ સ્થાપન, 8.30 વાગ્યે ગ્રહશાંતિ, 9.30 વાગ્યે યજ્ઞોપવિત સંસ્કાર અને બપોરે 3.30 વાગ્યે બટુકયાત્રા સાથે યજ્ઞોપવિત કાર્યક્રમનું સમાપન થશે. બટુકોને પિતાંબર, અખંડ દીપ, પંચપાત્ર અને આસન, ભાથાનો ડબ્બો, ચાંદીનો સિક્કો, ભિક્ષાથાળી અને આસન તેમજ ફુલહાર-બુકે ભેટ તરીકે આપવામાં આવશે.

સાંજે 4.00 વાગ્યાથી સ્નેહમિલન સમારોહ શરૂ થશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, સુરત ચોર્યાસીના ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈ જ્યારે અતિથિવિશેષ પદે ભાજપના સેવાનુરાગી, વિધાનસભા સ્પીકરના પૂર્વ અંગત સચિવ અને શ્રી વિઘ્નેશ્વરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, માણસાના માનદ્ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ વ્યાસ હાજર રહેશે. આ પ્રસંગે સુરત વરાછારોડ સ્થિત સાધના વિદ્યાસંકુલના પ્રિન્સીપલ ડો. જયેશભાઈ જોષીનું વિશેષ સન્માન કરાશે. સાંજે 6.30 વાગ્યે ભોજન સમારંભ યોજાશે.

શુભ પ્રસંગોને દીપાવવા તેમજ બટુકોને શુભાશિષ પાઠવવા ટ્રસ્ટ દ્વારા સમાજના સભ્યોને હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *