Board Exams:6 નવે.થી 15 ડિસે. સુધી ધોરણ 12 બોર્ડના પરીક્ષા ફોર્મ ભરાશે
ધોરણ 12 બોર્ડની 2024માં લેવાનાર પરીક્ષાના ફોર્મ ભરવા માટે બોર્ડ તરફથી સુચનાઓ જાહેર કરાઈ છે જેમાં વિદ્યાર્થીઓ 6 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી પરીક્ષા ફોર્મ ભરી શકશે. આ નિયમ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉત્તર બુનિયાદી વિદ્યાર્થીઓને લાગુ પડશે.
ઉલ્લેખનિય છે કે, ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ, 2024 દરમિયાન યોજાશે, જ્યારે ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે. જો કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ ધોરણ 12ની સાયન્સ બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે. માર્ચની બોર્ડ પરીક્ષા બાદ જુલાઈમા બે વિષયની પૂરક પરીક્ષાને બદલે તમામ વિષયોને 12 સાયન્સ બોર્ડની પરીક્ષા લેવાશે અને બાદમાં બંને પરીક્ષામાંથી જેનું પરિણામ સારું હશે, તે ધ્યાનમાં લેવાશે. જ્યારે કે, ધોરણ-10 ની પૂરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે. સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ મોટો બદલાવ કરવામા આવ્યો છે, તે મુજબ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે.