નવસારીમાં બ્લડ ડોનેશન કેમ્પ, 57 યુનિટ રક્ત ડોનેટ કરાયું
- AHP-RBD અને NMMAના સંયુક્ત ઉપક્રમે સુંદર આયોજન
- તા. 10મી સુધીમાં વધુ 28 જરૂરિયાતમંદોને રક્તદાન કરાશે
- રક્તદાતાઓ માટે ભોજન વ્યવસ્થા, સર્ટિફીકેટ એનાયત કરાયા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP), રાષ્ટ્રીય બજરંગ દળ (RBD) તેમજ નવસારી મેટલ મર્ચન્ટ્સ એસો. (NMMA)ના સંયુક્ત ઉપક્રમે નવસારીના દુધિયા તળાવ શાક માર્કેટની સામે શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. AHP-RBD અને NMMAના પ્રમુખ રાકેશ શર્માએ જણાવ્યું હતું કે કેમ્પ દરમિયાન 57 યુનિટ રક્ત એકત્ર કરી સુશ્રુષા બ્લડ બેન્કને સોંપવામાં આવ્યું હતું. એટલું જ નહીં વધુ 28 જેટલા દર્દીઓ લોહિની ઉણપવાળા નોંધાયા છે જેમને માટે પણ તા. 10મી સુધીમાં રક્ત એકત્ર કરવામાં આવશે.
કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર કમિટી મેમ્બર/સભ્યો સુરેશભાઈ પટેલ, સુરેન્દ્ર મહેતા, સંતોષ મહેતા, પ્રતીક શાહ, ચેતન શાહ, રોહિત લોદરિયા, ચેતન પટેલ, વિજય ઉપાધ્યાય વિગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં નવસારી શ્રીમોઢ ગાંધી સમસ્ત પંચના પ્રમુખ શ્રી સંજયભાઈ ગાંધી(CA)નું સમગ્ર ટીમ દ્વારા શાલ/મોતીની માળા પહેરાવી સ્વાગત/સન્માન કરાયું હતું. તેઓ સમાજની વાડી વિનામૂલ્યે આપી શિબિરમાં સહભાગી થયા હતાં. સાથે જ NMMAની ભૂતપૂર્વ કમિટીનું શાલ અને મોતીની માળાથી સ્વાગત/સન્માન કરાયું હતું. નવસારીના અગ્રણી પત્રકાર જીતેન્દ્રભાઈ પટેલનું પણ આ પ્રસંગે વિશેષ સન્માન કરાયું હતું.
દરેક રક્તદાતાને AHP-RBD અને સુશ્રુષા બ્લડ બેંક દ્વારા સન્માનના સર્ટિફિકેટ સાથે સ્ટેનલેસ સ્ટીલની ટ્રે ગિફ્ટ અપાઈ હતી. કાર્યક્રમમાં પધારેલા મિત્રો/વડીલો/બ્લડ બેંક સ્ટાફના દરેક માટે ભોજનની વ્યવસ્થા હતી.