રામનવમીની હિંસા ભાજપે કરાવી છેઃ કમલનાથ
- બિહારમાં કોમી હિંસાની અનેક ઘટનાઓ બાદ હાઈએલર્ટની સ્થિતિ, અજંપાની સ્થિતિ વચ્ચે લશ્કર તહેનાત કરાયું
- સાસારામ અને નાલંદામાં સૌથી વિકટ હાલતઃ ઠેર ઠેર જૂથ અથડામણ, બોમ્બમારો, ગોળીબારઃ તંત્રની કડક કાર્યવાહી
રામનવમીના જુલુસ વેળા દેશમાં અનેક સ્થળોએ પત્થરમારા અને જૂથ અથડામણની ઘટનાઓએ ફરી કોમી તંગદિલી ફેલાવી દીધી છે. ખાસ કરીને બિહારમાં ખૂબ વિકટ સ્થિતિ છે. આવા સંજોગોમાં પણ રાજકીય આક્ષેપોનો દૌર શરૂ થયો છે. મધ્યપ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે આ હિંસાનો દોષનો ટોપલો ભાજપ ઉપર નાંખી દીધો છે. ભોપાલ ખાતે તેમણે જણાવ્યું કે વર્ષોથી રામનવમી અવસરે જુલુસ નીકળતાં આવ્યા છે, પરંતુ ક્યારેય કંઈ થયું નથી. જો કે હવે 2024માં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ આ બધું કરાવી રહી છે, જેથી સમાજમાં તણાવની સ્થિતિ પેદા થાય.
રામનવમીના દિવસે ગુજરાતના વડોદરામાં શોભાયાત્રા ઉપર પત્થરમારો થયો હતો. એટલું જ નહીં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહારના પણ કેટલાક સ્થળોએ શોભાયાત્રા ઉપર પત્થરમારો, જૂથ અથડામણ, આગજની જેવી ઘટનાઓ બની હતી, જેના પ્રત્યાઘાત દેશભરમાં પડવા લાગ્યા છે. બિહારના પાંચ જિલ્લાઓ પૈકી નાલંદા અને સાસારામમાં સૌથી વધુ તંગદિલી છે. જ્યારે ભાગલપુર, ગયા અને રોહતાસમાં પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસે તોફાનીઓ સામે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે અને ધરપકડનો દૌર શરૂ કર્યો છે. સાથે જ નાલંદા અને સાસારામમાં પેરા મિલિટરી ફોર્સ ઉતારી દેવામાં આવી છે. છતાં પણ સ્થિતિ હજુ સંપૂર્ણપણે અંકુશમાં આવી શકી નથી.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ એવું નિવેદન આપ્યું છે કે હવે હિન્દુઓ માટે મુક્તપણે પૂજા-પાઠ કરવા કે શોભાયાત્રા કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી છે. ગૃહમંત્રી અમિત શાહ પણ તમામ ઘટનાઓનો બારીકાઈથી અભ્યાસ કરી રહ્યાં છે અને તંગદિલીવાળા સ્થળોએ ઉચ્ચાધિકારીઓની તાકીદની નિમણૂંક તેમજ યોગ્ય કાર્યવાહીના આદેશ પાઠવ્યા છે.