ભિષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે દેહ છોડવા 58 દિવસ રાહ જોઈ હતી
- આજીવન અવિવાહિત રહેનારા ભિષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, મોક્ષપ્રાપ્તિની ઈચ્છા સાથે ઉત્તરાયણે દેહ છોડ્યો
- ભિષ્મએ મહાભારતના યુદ્ધમાં ઝઝૂમ્યા બાદ પાંડવોને જાતે પોતાના મૃત્યુનો ઉપાય બતાવ્યો હતો
ઉત્તરાયણની વાત હોય ત્યારે ભિષ્મ પિતામહને પણ યાદ કરવા રહ્યાં. મહાભારતના યુદ્ધમાં અસત્યની એટલે કે કૌરવોની પડખે રહેનારા પિતામહે ઉત્તરાયણના દિવસે દેહત્યાગ કરી પોતાના ઈચ્છામૃત્યુના વરદાનને પૂર્ણ કર્યું હતું. બાણશૈયા પર કણસતા રહેલાં ભિષ્મએ 58 દિવસ સુધી ઉત્તરાયણની રાહ જોઈ હતી અને જેવો સૂર્યનું ઉત્તરાયણ શરૂ થયું ત્યારે પિતામહે પોતાનો દેહ છોડી દીધો હતો. હિન્દુ ધર્મમાં ઉત્તરાયણનું વિશેષ મહત્વ છે અને આ દિવસે મૃત્યુ પામનાર મોક્ષ પામે છે તેવી શાસ્ત્રોમાં ઉક્તિ છે. આ દિવસે ભગવાનની વિશેષ પૂજા તેમજ દાનનો પણ મહિમાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
ભિષ્મના પિતા રાજા શાંતનુ હતાં. રાજા શાંતનુને સત્યવતી નામની એક કન્યા ગમી ગઈ અને તેની સાથે વિવાહ માટે તેમણે ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ સત્યવતીના પિતાએ એવી શરત મુકી કે જો રાજા શાંતનુ સાથે સત્યવતીના લગ્ન થાય તો સત્યવતીની સંતાનને જ રાજગાદી મળે. અલબત્ત શાંતનુએ પોતાના પુત્ર ભિષ્મને પહેલેથી જ ગાદીના વારસ જાહેર કરી દીધાં હતાં. જેથી શરત પૂર્ણ થાય તેમ ન હોઈ શાંતનુ વ્યથિત થયા અને સત્યવતીના વિયોગમાં રહેવા લાગ્યા.
ભિષ્મને આ વાતની જાણ થતાં તેમણે આજીવન અવિવાહિત બ્રહ્મચારી રહેવાનો નિર્ણય કર્યો અને સત્યવતીના પિતાને પોતાનો નિર્ણય જણાવ્યો. સત્યવતીના પિતાએ શાંતનુ સાથે સત્યવતીના લગ્ન કરાવ્યા. ત્યારે શાંતનુએ આવો મહાન ત્યાગ કરનારા પોતાના પુત્ર ભિષ્મને ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું. આ વરદાન મુજબ ભિષ્મ પોતે ઈચ્છે તો જ પોતાનું મૃત્યુ થઈ શકે.
મહાભારતના યુદ્ધમાં 150 વર્ષ જેટલી જૈફ વય હોવા છતાં અડીખમ ભિષ્મ પિતામહ પાંડવો માટે પડકાર બની ગયા હતાં. 18 દિવસના યુદ્ધમાં 10 દિવસ સુધી તેઓ ઝઝૂમતા રહ્યાં અને પાંડવોને તેમની જીત દૂર દૂર સુધી દેખાતી ન હતી. પાંડવો સત્યની પડખે હતાં તો ભિષ્મ કૌરવોના અસત્યની પડખે હતાં. ભિષ્મના અંતઃકરણની ઈચ્છા સત્યનો એટલે કે પાંડવોનો વિજય થાય એવી હતી. જેથી તેમણે સામે ચાલીને પાંડવોને પોતાના મૃત્યુનો ઉપાય બતાવ્યો હતો. જેના આધારે પાંડવોએ ભિષ્મને બાણોથી વિંધી નાંખ્યા હતાં.
અલબત્ત ઈચ્છામૃત્યુનું વરદાન હોવાથી તેમનો પ્રાણ ચાલુ રહ્યો હતો. અંતે તેમની ઈચ્છા ઉત્તરાયણના દિવસે દેહત્યાગની હતી, તો તેમણે 58 દિવસ સુધી બાણશૈયા ઉપર વ્યતિત કર્યાં અને પવિત્ર ઉત્તરાયણના દિવસે તેમણે પ્રાણત્યાગ કર્યો હતો. ઉત્તરાયણને મકરસંક્રાતિ પણ કહે છે. ઉત્તરાયણ એટલે કે સૂર્ય વર્ષના છ મહિના ઉત્તર તરફ અને 6 મહિના દક્ષિણ તરફ ખસે છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય દક્ષિણેથી પરત ફરી ઉત્તર તરફ ખસવાનું શરૂ કરે છે. મકરસંક્રાતિ એટલે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. ધન એટલે કે પોતાની નીચ રાશિ છોડીને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેથી કમૂરતા પૂર્ણ થાય છે અને મુહૂર્તના સારા દિવસો શરૂ થાય છે. ઉત્તરાયણના દિવસે ભગવાનની વિશેષ પ્રકારે પૂજા કરવા ઉપરાંત દાન-ધર્માદાનો અનેરો મહિમા છે.