ભાવનગરની માલણ નદીમાં 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો થયા ગરકાવ
ભાવનગરના મહુવા તાલુકાની માલણ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. મહુવાના નાના જાદરા લખુપરા વચ્ચે આવેલ નદીમાં ન્હાવા પડેલા રૂપાવટી ગામના ૪ લોકો પાણીમાં ગરકાવ થયા છે. મળતી માહિતી મુજબ જે ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા છે જેમાંથી 3 સગા ભાઈઓ છે.
કહેવાય છે કે, આ લોકો મકાનના બાંધકામ માટે આવ્યા હતા એ દરમિયાન માલણ નદીમાં ન્હાવા પડ્યા હતા અને આ કરુણ દુર્ઘટના બની હતી. આ તમામ મજૂરી કામ કરતા હતા અને નદીમાં એકસાથે ન્હાવા પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ માટે પહોંચેલા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા મોડી રાત સુધી મૃતદેહ શોધવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ત્રણ સગાભાઇઓ મારુ ભાવેશભાઇ દેવચંદભાઇ (ઉંમર 25 વર્ષ), મારુ કિશોરભાઇ દેવચંદભાઇ (ઉંમર 22 વર્ષ) અને મારુ હાર્દિકભાઇ દેવચંદભાઇ (ઉંમર 18 વર્ષ) પૈકી કિશોર અને હાર્દિક તથા પિતરાઇ ભાઇ મારુ મહેન્દ્રભાઇ દામજીભાઇ (ઉંમર 18 વર્ષ)નો પણ મૃતદેહ મળી આવ્યા હતો. જ્યારે અંધારુ થઇ જતાં ભાવેશનો મૃતદેહ મળી શક્યો ન હતો. જો કે, હવે સવારે ફરીવાર તેના મૃતદેહની શોધ કરવામાં આવશે. આ બનવાને પગલે સમગ્ર પથંકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.