ભટારના ઝૂંપડાવાસીઓનો SMCએ મોરચો, વૈકલ્પિક આવાસ ફાળવવા માંગ
- રસૂલાબાદ, ઈન્દિરાનગર અને ગોકુળનગરમાં પાલિકાએ ડિમોલીશન શરૂ કરતાં ભારે રોષ, આત્મવિલોપનની પણ ચીમકી
- દલિત નેતા સુરેશ સોનવણે, કોંગી નેતા અસલમ સાયકલવાલાની આગેવાનીમાં મ્યુનિ. કમિશનર સમક્ષ લેખિત-મૌખિક ફરિયાદ
સુરત મહાનગરપાલિકા દ્વારા ભટારની રસૂલાબાદ તેમજ આસપાસની ઝૂંપડપટ્ટીઓના ઘરોનું ડિમોલીશન કરી જગ્યાનો કબ્જો લેવાની પ્રક્રિયાનો વિરોધ ઉગ્ર બન્યો છે. આજે સુરત શહેરના અઠવા ઝોનમાં સમાવિષ્ટ ભટાર સ્થિત રસૂલાબાદ, ઈન્દિરાનગર અને ગોકુળનગર ઝૂંપડપટ્ટીના રહીશોએ સુરત મહાનગરપાલિકાની મુગલસરાઈ સ્થિત મુખ્ય કચેરીએ મોરચો માંડ્યો હતો. ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે તેમણે રજૂઆતો કરી વૈકલ્પિક આવાસ ફાળવવા માંગ કરી હતી.
દલિત નેતા સુરેશ સોનવણે તેમજ કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલાની આગેવાનીમાં આ ત્રણેય ઝૂંપડપટ્ટીના રહીશો સાંજે ચારેક વાગ્યાના સુમારે સુરત મહાનગરપાલિકાની મુગલસરાઈ સ્થિત મુખ્ય કચેરી ખાતે સરઘસાકારે આવી પહોંચ્યા હતાં. સુરત મ્યુનિ. કમિશનર તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષને ઉદ્દેશીને લખેલા આવેદનપત્ર સાથે તેમણે રજૂઆત કરી હતી કે મહારાષ્ટ્રીયન તેમજ યુપીવાસી દલિત અને મુસ્લિમ સમાજના ગરીબ શ્રમજીવી લોકો અહીં 20થી 25 વર્ષથી રહેતાં આવ્યા છે અને રોજનું કમાઈને ખાનારા છે.
કોરોનાકાળ બાદ તેમની આજીવિકા ટૂંકી થઈ ગઈ છે અને આર્થિક રીતે પડી ભાંગ્યા છે. ત્યારે તા. 17મીના રોજ સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનના અધિકારી ગાયવાલા 15-20 બેલદારો સાથે ઝૂંપડપટ્ટીમાં ધસી આવ્યા હતાં અને ઘરોમાંથી સામાન ખાલી કરાવી ઝૂંપડા તોડવા લાગ્યા હતાં, જેમાં એક રહીશને ઈજા પણ થઈ હતી. એટલું જ નહીં, હવે ઝૂંપડા ખાલી નહીં કરો તો બુલડોઝર ફેરવી દઈશું તેવી ધમકી પણ ઉચ્ચારી હતી.
ઝૂંપડાવાસીઓએ વૈકલ્પિક આવાસ નહીં ફાળવાય તો આત્મવિલોપનની ચીમકી સુદ્ધાં ઉચ્ચારી છે. તેમના વતી સુરેશ સોનવણે અને અસલમ સાયકલવાલાએ રજૂઆતો કરી વૈકલ્પિક આવાસ ફાળવવા માંગ કરી છે. મુખ્યમંત્રી તેમજ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સહિત અનેકને આ મુદ્દે રજૂઆતો પહોંચાડાઈ છે.